૯મી પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખોનું એલાન

982

આગામી સાત દિવસમાં લોકસભા ચૂંટણીની જાહેરાત લગભગ નક્કી જ છે. ચૂંટણી પહેલા છેલ્લે છેલ્લે મતદારોને આકર્ષવાની તમામ કોશિષો ચાલુ છે. સૂત્રો  અનુસાર ૯ માર્ચ પછી ગમે તે ઘડીએ ચુંટણીની જાહેરાત થશે. ૮ માર્ચ સુધી વડાપ્રધાન મોદીના ઘણા બધા સરકારી પ્રવાસો નક્કી છે. એ પહેલા ૬ માર્ચે મોદી  સરકારની છેલ્લી અકિલા કેબીનેટ મિટીંગ પણ થવાની છે. આ મીટીંગમાં ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો બીજો હપ્તો આપવાના નિર્ણયને મંજૂરી આપી શકાય છે. પ્રધાન  મંત્રી કિસાન સમ્માન નિધિનો પહેલો હપ્તો ૨૪ ફેબ્રુઆરીએ અપાયો હતો.

સૂત્રો અનુસાર,  બીજો હપ્તો નવા વર્ષમાં આપવાનો હોવાથી તેનું બજેટ  ફાળવવા કેન્દ્રીય કેબીનેટની મંજુરી લેવામાં આવશે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં ખેડૂતોને તે આપી દેવાશે. સામાન્ય ચુંટણી પહેલા ખેડૂતોને લોભાવવા  માટેનો મોદી સરકારનો આ મોટો દાવ માનવામાં આવે છે.

આ યોજનાની જાહેરાત આ વર્ષે બજેટમાં કરાઇ હતી અને તેનો ફાયદો ચુંટણીમાં મેળવવા તેને ગયા વર્ષથી  લાગુ કરવાની જાહેરાત કરાઇ હતી. જોકે આ યોજનામાં સૌથી મોટી તકલીફ એ છે કે, રાજ્યો તરફથી ખેડૂતોના લીસ્ટ સમયસર નથી આવ્યા. ૨૪ ફેબ્રુઆરીએ ૧ કરોડ  ખેડૂતોને લાભ અપાઇ ગયો, તેમાં લગભગ ૪૦ લાખ ખેડૂતો ફકત ઉત્તર પ્રદેશના છે.

આ યોજનાના લાભાર્થી સૌથી વધારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના  છે. વડાપ્રધાન મોદીએ વિપક્ષી રાજ્યો પર આક્ષેપ મુકતા કહ્યું કે, તેઓ જાણી જોઇને ખેડૂતોનું લીસ્ટ નથી મોકલી રહ્યા. આ ઉપરાંત બુધવારે કેબિનેટ મિટીંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ મંજુર થઇ શકે છે. તે જ દિવસે પ્રગતિ સમીક્ષા મીટીંગ પણ થશે, જેમાં બધા રાજ્યોના ચીફ સેક્રેટરીઓ ભાગ લેશે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અંગે ચુંટણી પંચ ૪૮ કલાકમાં નિર્ણય લેશે. પંચની એક ઉચ્ચસ્તરીય ટીમ સોમવારથી રાજ્યના પ્રવાસ પર છે. સૂત્રો અનુસાર, પંચ સામે સૌથી મોટો સવાલ એ છે કે, હાલની પરિસ્થિતિમાં ત્યાં ચૂંટણી થશે કે નહીં. ગૃહ મંત્રાલયે ચુંટણી પંચને કહી દીધું છે કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, જો ચુંટણી પંચ સંતુષ્ઠ થાય તો અમે લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવા પણ તૈયાર છીએ. એટલે હવે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

Previous articleહું દેશનો મજૂર નં.-૧ છું : મોદી
Next articleસામાન્ય લોકો માટે આજથી મેટ્રો શરૂ