જંગલની જમીન ખેડતા આદિજાતિ ખેડૂતોને એ જ જમીનના માલિક બનાવવા માટે કોઇ વચેટિયા કે દલાલો વિના હાથોહાથ અધિકારપત્રો આપીને રાજય સરકારે આદિવાસીઓ પ્રત્યેની સંવેદના વ્યકત કરી છે, એમ વાંસદા તાલુકાના રૂપવેલ ગામે નવસારી જિલ્લાના જંગલની જમીન ખેડતા આદિજાતિ ખેડુતોને અધિકારપત્રો અને માપણીસીટ વિતરણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ જણાવ્યુ હતુ.
રૃપવેલ ખાતે મુખ્યમંત્રીના હસ્તે આદિવાસી વન વિકાસ મંડળીઓને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાયના ચેકો તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને વોલીબોલ અને ક્રિકેટના સાધનોનું વિતરણ પણ કરાયુ હતુ. અહીં તેમણે જણાવ્યુ હતુ કે નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વાંસદા,ચીખલી અને ખેરગામ તાલુકામાં વસતા આદિવાસી બંધુઓને પણ વન અધિકાર મળ્યો છે. મુખ્યમંત્રીએ કહયુ કે રાજયનું યુવાધન સ્વામી વિવેકાનંદજીના ઉદાત્ત વિચારોને અનુસરી શ્રેષ્ઠ નાગરિક બને તે માટે રાજય સરકારે સ્વાયત્ત બોર્ડનું નિર્માણ કરી રાજયમાં ૨૦ હજાર જેટલા વિવેકાનંદ યુવક મંડળોની રચના કરી રાજયની યુવાશકિતને રમતગમત ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું પ્લેટફોર્મ પુરૃ પાડયુ છે. આ સરકારે દાહેદ, બનાવસકાંઠા,તાપી સહિતના વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજોના નિર્માણ કર્યુ છે.જેના પરિણામે આદિવાસી રિઝર્વેશનની એકપણ સિટ હવે ખાલી રહેતી નથી .
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા પ્રારંભ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં કૃષિ,પશુપાલન,રોડ રસ્તા,પીવાના પાણી, વિજળી, આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ,સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લા ૫ જ વર્ષમાં ૧૫ હજાર કરોડનો ખર્ચ કર્યો છે .વધુમાં મુખ્યમંત્રીએ કહયુ કે આંતકીઓના નાપાક મનસુબા પાર ન પડે તે માટે વાયુ સેનાએ હવાઇ હુમલો કરી પુલવામાં હુમલાના ગુનેગાર આંતકીઓના કેમ્પોનો ખાત્મો બોલાવી જડબાતોડ જવાબ આપ્યો છે.અને શહીદ જવાનોને સાચી શ્રધ્ધાંજલિ આપી છે.તેમણે આદિવાસીઓના નામે અફવા ફેલાવી સમાજને ભ્રમિત કરનારા તત્વોથી સાવધાન રહેવાનો અનુરોધ કરી વોટબેંકની રાજનીતિ કરનારા લોકોથી સાવધ રહેવાની ટકોર કરી હતી.