અસંગઠિત શ્રમયોગીઓના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલમાં મુકી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૨૦ હજારથી વધુ શ્રમિકોને યોજના હેઠળ આવરી લેવાશે એમ પાણી પુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે હિંમતનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી પરબત પટેલે જણાવ્યું હતું કે, શ્રમયોગી તથા તેના પરીવારનુ આખી જિંદગી કરેલ કામનો સહારો મળી રહે તે માટે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુરક્ષા કવચ આપવાની સાથે તે માનભેર જીવન જીવી શકે તે માટે પેન્શન યોજના કાર્યરત કરી છે. જેમાં સમગ્ર ભારતમાં ૪૨ કરોડથી વધુ શ્રમિકો પૈકી એક કરોડથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો, આંગણવાડી, મધ્યાહન ભોજન,આશા, નરેગા કાર્યકર, હોમાગાર્ડ, ફેરીયા,હસ્તકલા, મોચી, દરજી, કચરો વીણનાર તથા ખેત શ્રમિકો સહિતના ૨૦ હજારથી વધુ શ્રમિકોને આવરી લઇ તેમને સન્માન આપવાનું કામ કર્યુ હોવાનું મંત્રી એ જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, જિલ્લામાં કાર્યરત કોમન સર્વિસ સેન્ટર હેઠળ અત્યાર સુધી ૧૨ હજાર શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. જે આગામી સમયમાં તમામ શ્રમિક-કામદારેને આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે શ્રમિકોને પેન્શન કાર્ડનું મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.