એક પરિચિત છતાં અજાણી મુલાકાત

710
guj25122017-6.jpg

એક દિવસ અચાનક એવું બન્યું કે લાં…બા સમય પછી હું મારા સંયુક્ત કુટુંબમાંથી એકલી પડી..એટલે કે એકલા રહેવાનો અવસર આવ્યો.ત્યારે બે ઘડી એક એવાં વ્યક્તિને મળવાનું થયું કે જેને હું ખૂબ જ સારી રીતે જાણતી હતી..પણ હમણાંથી એનો પરિચય કે કોન્ટેક્ટ છૂટી ગયો હતો…
લાંબા સમય પછી એને જ્યારે આજે મળી તો થયું કે, કેટલી સુંદર,બુદ્ધિમાન,અદ્ભુત વ્યક્તિત્વ, આત્મસૂઝ અને સ્વાભિમાનથી ભરપૂર, સદા લોકોને હસાવતી ને ખુદ હસતી,એક અલગ જ છટા અને અનુપમ વ્યક્તિત્વ ધરાવતી હતી તે… આજ જયારે હું એને મળી તો..ફરજોના બોજ નીચે દબાયેલી, પોતાની ઈચ્છાઓની ખુદખુશી કરી ચૂકેલી,અસ્તિત્વ વિહિન જીવન જીવતી,સ્વાભિમાન અને આત્મવિશ્વાસને ભૂલીને જીવનારી એને હું આજ મળી !!! એની આવી હાલત જોઈને ઘણું જ દુઃખ થયું.
પ્રશ્ન કર્યો મેં એને : કેમ તારી દશા છે આવી ?? 
તારૂં ઘર..તારૂં પરિવાર..શું તારૂં ધ્યાન નથી રાખતું ??
ત્યારે જે જવાબ મળ્યો તે સાંભળી મારાં રોમેરોમ જાણે અશ્રુથી ભીંજાઈ ગયા..
તેણે કહ્યું : મારૂં ઘર ???
ક્યું મારૂં ઘર ?? પપ્પાના ઘરે હતાં ત્યારે કહેવાતું કે સાસરે જઈશ એ જ તારૂં સાચ્ચું ઘર..એટલે પૂરો હક ત્યાં ન કરી શકી..સાસરે આવી તો કહ્યું- તમે નવાં, તમારે આ ઘરની વાતમાં નહિ બોલવાનું..ત્યારે થયું કે એક ઘરની હું દિકરી ( લક્ષ્મી ).. અને બીજાં ઘરની હું વહુ ( લક્ષ્મી ).. બબ્બે ઘર હોવા છતાં હું તો સાવ ” બેઘર “
જ .!.!.!
પિતાની લાજ સાચવી..પતિની આબરૂ બની..એમાં ખુદ મારી જાતને ભૂલી… સમય જતાં સંતાનોનાં વટહુકમ…છતાંય મનથી આનંદ હતો કે મેં મારી ફરજ પ્રમાણે બધાને માટે બધું કર્યું. પણ જ્યારે વાત નીકળી મારી ઈચ્છાઓ..મારા સપનાઓ..મારા વિચારો…ત્યારે ખબર પડી કે ઓહ !! માત્ર ફરજ પર જ મારો અધિકાર હતો..બાકીનું બધું તો કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું…?…?…
મનની મરજી મુજબનું હવે પિયરમાં પણ નથી કહેવાતું કે રહેવાતું અને સાસરે પણ એ જ દશા…
પહેલાં પિતા..પછી પતિ..અંતે સંતાનો મોટાં થાય અટલે એમને અનુકૂળ જીવી જવાનું…આ બધાની વચ્ચે એક સ્ત્રીનું અસ્તિત્વ,તેનાં વિચારો, ઈચ્છાઓ,વાણી બધું જ કોઈ અંધારી કાલકોઠરીમાં પૂરાઈ જતું રહ્યું છે..
બસ , વધુ વાત હું એની સાથે કરી જ રહી હતી ત્યાં ડૉરબેલ નો અવાજ આવ્યો…ને અચાનક જ મારૂં ધ્યાન તૂટ્યું…મારાં વિચારોમાંથી હું બહાર આવી… દરવાજો ખોલ્યો..તો એ જ મારૂં ” આખું પરિવાર “
બધાને હસીને એ જ મીઠો આવકારો…ને એ જ દુનિયા ફરીથી શરૂ…?
પોતાનું ઘર..ઈચ્છાઓ..સ્વપ્નો..બધું જ ભીતર ધરબી દઈ સાસરે જીવતી સ્ત્રીની અપાર વેદનાને વાચા આપનાર એક પ્રસંગકથા…?

Previous articleવોરા સમાજ દ્વારા ડાયાબીટીસ જાગૃતિ રેલી
Next articleઈતિહાસની ઓળખ બનેલા ઘોઘા ખાતે ચર્ચમાં નાતાલની ઉજવણી