ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની પિટિશનમાં હાઇકોર્ટે ફરી એક વાર શિક્ષણ મંત્રી અને બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટમાં કરેલા સોગંધનામા અંગે તેમનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમે પોતે કાયદા મંત્રી છો છતાં તમને કોર્ટ પર વિશ્વાસ ન હોય તેવું સોગંધનામું રજૂ કર્યું છે. કોર્ટે ધોળકા મતદાન વખતના રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીને આજે સીસીટીવી ફૂટેજ જમા કરાવવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૮મી માર્ચે થશે.ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ગત ડિસેમ્બર-૨૦૧૭માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૧૫૦ મતથી વિજયી બની રાજ્યના શિક્ષણ મંત્રી પદે છે. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ થઇ હોવાથી આ ચૂંટણી રદ કરવા અંગે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં એક પીટીશન કરી હતી. કોંગ્રેસના પરાજિત ઉમેદવારે કરેલી આ પીટીશન રદ કરવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અરજી કરી હતી. તેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીને કહ્યું છે કે આપ આપના કલેકટરને જઈને કહો કે “હું સાક્ષી છું અને કોર્ટમાં આ વિગતો આપવાની છે”, આમ છતાં જો કલેક્ટર સીસીટીવી આપવા માટે લેખિત હુકમ જ માંગતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એમની ઘણી બધી જવાબદારીઓ હોય છે એ એમને યાદ હોવું જોઈએ. કોર્ટ પોતાના સુઓ મોટો પાવર્સ યુઝ કરીને એમને સાક્ષી તરીકે તત્કાળ કોર્ટમાં હાજર થવા પણ ફરમાન કરી શકે છે. આજે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં લાવવા કોર્ટે ટકોર કરી છે.