ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૭ માર્ચથી લેવામાં યોજનાર ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં ૧૭.૧૪ લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં ૧.૩૬ લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં ૫૦ હજાર કરતા વધુનો વધારો થયો છે. રાજ્યભરમાંથી ધોરણ ૧૦ની ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગતવર્ષે બોર્ડની ધો.૧૦ની પરીક્ષામાં ૧૧૦૩૬૭૪ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા ધો.૧૦ના વિદ્યાર્થીની સંખ્યામાં ૫૬,૦૮૮નો વધારો થયો છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેની સામે ગત વર્ષે ૧૩૪૬૭૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થીઓની સામે ગતવર્ષે ૪૭૬૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ ઉપરાંત ચાલુ વર્ષે ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા ૧૦,૩૦૨ છે. ધોરણ ૧૦ની અમદાવાદ શહેરમાંથી ૬૯,૯૦૬ અને અમદાવાદ ગ્રામ્યમાંથી ૫૩,૫૮૧ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની અમદાવાદ શહેરમાં ૧૦,૩૪૧ અને અમદાવાદ ગ્રામ્યમાં ૭,૪૨૦ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની અમદાવાદ શહેરમાં ૩૬,૪૮૮ અને અમદાવાદ ગ્રામ્યમાં ૨૪,૩૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ગુજરાત માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારી હાજર રહેશે. વિદ્યાર્થીઓને લઇને કહેવામાં આવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર ૪૫ મિનિટ પહેલા પહોંચવાનું રહેશે.
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં કુલ ૧૮.૫૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ ૬૩૬૧૫ વર્ગખંડમાંથી ૭૦૦ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા નથી. જેવા વર્ગખંડોની કેમેરાના અભાવે ટેબલેટથી બાજ નજર રખાશે. આ સિવાય સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સ્ટ્રોંગરૂમ બહાર ૨૪ કલાક હથિયારધારી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે બનતા તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે. પરીક્ષાને લઇને પણ શિક્ષણમંત્રીએ વાલીઓને જણાવ્યું છે કે, તેઓ કોઈપણ અફવામાં ન આવે. સ્ટ્રોંગરૂમથી ૨૪ કલાક સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી વિભાવરી બેન દવે પણ હાજર રહ્યા હતા. આ સિવાય ગુજરાત માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઇતિહાસમાં પહેલીવાર પરીક્ષા દરમિયાન સરકારી પ્રતિનિધિઓ પેપરના સ્ટ્રોંગ રૂમથી લઇને પેપર પૂરું થાય ત્યાં સુધીનો તમામ બાબતોનો ગુપ્ત અહેવાલ ડીઇઓને આપશે. આ માટે બોર્ડ દ્વારા દરેક પ્રતિનિધિને ૨૧ કોલમનું ફોર્મ આપવામાં આવશે. જેમાં સ્કૂલમાં ફોટોકોપી મશીન છે કે નહીં, સ્કૂલના ૧૦૦ મીટરના વિસ્તારમાં મશીન છે કે નહીં, સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમની સુવિધા જેવા મુદ્દાનો અહેવાલ સબમિટ કરશે. પરીક્ષા દરમિયાન સ્કૂલ દ્વારા મોકલાતી સીસીટીવીની સીડી દરરોજ મોનિટરિંગ કરવા અધિકારીઓની ખાસ ટીમ તૈયાર કરાઇ છે. પરીક્ષા ખંડમાં સુપરવાઇઝરની ફાળવણી અધિકારીઓની હાજરીમાં ડ્રો દ્વારા થશે.
પ્રાથમિક શિક્ષણ નિયામકે શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં જોડવા પરિપત્ર કર્યો છે. પરંતુ શિક્ષક સંઘ દ્વારા નોકરીના પાંચ વર્ષ પૂરા ન કરનારા વિદ્યાસહાયકોને પરીક્ષા પ્રક્રિયામાં જોડાવવાની છૂટ આપી હતી. જેથી વિદ્યાસહાયકોને ભવિષ્યમાં કાયમી થતા સમયે મુશ્કેલી ન નડે.
અમદાવાદ શહેરમાં એસએસસીના ૭ અને એચએસસીના ૫ એમ કુલ ૧૨ ઝોન કાર્યરત રહેશે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એસએસસી અને એચએસસીમાં ૪-૪ એમ કુલ ૮ ઝોન રહેશે. ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ રહેશે. અમદાવાદ ગ્રામ્યમાં એસએસસી માટે ૧ અને એચએસસી માટે ૪ પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે. શાળાઓની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. ત્યારે ઝોનલ રૂમને પણ સીસીટીવીની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પાસેથી સીસીટીવીની સીડીઓ પણ મંગાવાવમાં આવી. ગાંધીનગર કક્ષાએથી રાજ્યભરમાં સ્ક્વોડની ટીમ કોઈ ગેરરીતીનાં થાય તેને લઈને કામગીરી કરશે.