શહેરના ચિત્રા-સિદસર રોડ પર આવેલ મફતનગરમાં છેલ્લા એક-દોઢ માસથી પાણી નહીં આવતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. આજે રહિશોએ એકઠા થઈ તંત્ર સામે રોષ ઠાલવી સુત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે પાણીની લાઈન રીપેર કરવા માંગ કરી હતી.
ચિત્રા-સિદસર રોડ પર આવેલ મફતનગરમાં છેલ્લા દોઢેક માસથી રસ્તાનું કામ ચાલુ છે. રસ્તા પર રેતી, પથ્થરો તેમજ કપચી સહિતનો સામાન પડ્યો હોય આવન-જાવનમાં પણ લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. દરમિયાન ચાલુ કામે પાણીની લાઈન તુટી જતાં વિસ્તારમાં પાણી આવતું બંધ થઈ જવા પામ્યું હતું. આ અંગેની તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજે એકાદ મહિનો વિત્યા છતાં લાઈન રીપેર નહીં થતા વિસ્તારમાં રહેતા લોકોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય લોકોએ એકઠા થઈ સુત્રોચ્ચારો કરી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સત્વરે લાઈન રીપેર કરવા ઉપરાંત પાણી આપવા માંગણી કરી હતી.