વલભીપુર તાલુકાના પાણવી ગામ નજીક એક વર્ના કાર પલ્ટી મારી જતા એક યુવતીનું મોત નીપજ્યુ હતું. જ્યારે ડ્રાઈવર સહિત પાંચ ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ વલભીપુર તાલુકાના પાણવી ગામ પાસે ગત રાત્રે ૧ઃ૪૫ વાગ્યાની આસપાસ વર્ના કાર નંબર જીજે ૧ ૦૦૮૦, ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પુરપાટ ઝડપે જતી કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર છ લોકોમાંથી જોનાલી પ્રવીણભાઈ કથીરિયા નામની યુવતીનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચાલક કિશનકુમાર ઉર્ફે પ્રિન્સ સંજયસિંહ, રહે અમદાવાદ વાળા સહિત અન્ય ચાર મુસાફરોને પહેલા વલભીપુર અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓ હતા. જેઓ અમદાવાદથી ભગુડા જવા માટે નીકળ્યા હતા. પરીક્ષાની તૈયારી માટે વાંચવા જતા હોવાનું કહીને ઘેરથી ખોટુ બોલીને નીકળેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ઘાયલોમા બે વિદ્યાર્થીનીઓ તેમજ બે વિદ્યાર્થીઓમાંથી ત્રણને ગંભીર ઇજા થતાં સર.ટી.હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માતની જાણ થતાં પાણવી ગામના સરપંચ જામસંગભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા વલભીપુર પો.સ્ટે.ના પથુભા રાયજાદા, અમિતકુમાર મકવાણા, ભગવાનજીભાઈ સાબડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃત્યુ પામનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે તેમજ ઘાયલોને વધુ સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલે ખસેડયા હતા. ડ્રાયવર સામે બેફિકરાઈથી વાહન ચલાવવાનો ગુનો નોંધીને બનાવની વધુ તપાસ વલભીપુર પોલીસ ચલાવી રહી છે.