આજથી ધોરણ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

1067

ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લાના ૮૨૦૦૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષાના આગલા દિવસે બેઠક વ્યવસ્થા નિહાળવા માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૨૦૮ કેન્દ્ર પર ધો.-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. જેમાં ધોરણ-૧૦ ના કુલ ૫૩,૧૧૭ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨(સા.પ્ર)માં ૨૨,૯૨૮ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ (વિ.પ્ર)માં ૫૯૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે આજ તા. ૬ માર્ચથી- એટલે કે પરીક્ષાના એક દિવસ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે  પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પરીક્ષાની વિડિયોગ્રાફી પણ કરાશે, તદુપરાંત, પરીક્ષામાં બેસનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીએ બોર્ડની પરીક્ષામાં ગેરરીતીઓ અટકે અને તટસ્થ પરીક્ષા યોજાય, એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ સ્થળ સંચાલકોને નિર્દેશ આપ્યા હતા. આ માટે જિલ્લાના ચાર અતિસંવેદનશીલ અને ૧૪ સંવેદનશીલ કેન્દ્રોની વિગતો આપી, તમામ અતિસંવેદનશીલ કેન્દ્રોની જવાબદારી વર્ગ-૧ તથા ૨ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી હોવાનું શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું. આજે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર જઈ ને બેઠક વ્યવસ્થા નિહાળી હતી.

Previous articleપાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા નીરના વધામણા કરશે
Next articleમલાઇકા- અર્જુનના સંબંધને લઇને સોનમ હાલ ખુશ નથી