ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના બજેટમાં ગાંધીનગરમાં ચ પ્રકારના નવા આવાસ ૮૨ કરોડના ખર્ચે બાંધવાની જોગવાઇ કરાઇ હતી. ઉપરાંત ૧૫૦ કરોડના ખર્ચે ફ્લેટ ટાઇપના આવાસ અને સરકારી કચેરીઓના સહિત રૂપિયા ૨૮૭ કરોડના નવા બાંધકામ અને શહેરમાં બે અન્ડર બ્રિજ સહિત રસ્તાના ૪ કામ માટે રૂપિયા ૬૯ કરોડનું આયોજન કરવામાં આવ્યુ છે. નાણાની આ જોગવાઇ માર્ગ મકાન વિભાગ અને પાટનગર યોજના વિભાગના હેડમાં કરવામાં આવી છે.
૨ અંડર બ્રિજ સહિત રસ્તાના ૪ કામ માટે ૬૯ કરોડનું આયોજન કરવામાં આવ્યું છેશહેરમાં જુદા જુદા સેક્ટરમાં બી કક્ષાના ૨૮૦ તથા સી કક્ષાના ૨૮૦ ફ્લેટ ટાઇપ આવાસ બાંધવા માટે ૧૪૯. ૮૦ કરોડ ખર્ચાશે. જ્યારે સેક્ટર ૧૦માં કર્મયોગી ભવનના સંકુલમાં નવા બે બ્લોક વહીવટી કચેરીઓ માટે બાંધવામાં આવશે.
જૂના સચિવાલયના તમામ બ્લોકની સુધારણા તથા નવા બે બ્લોક બાંધવા માટે ૫૦ કરોડ ખર્ચાશે. નવા વર્ષમાં ૬૫ કરોડના ખર્ચે બી અને સી કેટેગરીના ફ્લેટ ટાઇપ આવાસનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યારે સેક્ટર ૨૧માં ૨૫ કરોડના ખર્ચે સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. નોંધવું રહેશે કે વિવિધ સેક્ટરમાં બી કક્ષાના ૪૪૮ ફ્લેટ ટાઇપ આવાસ ૬૭. ૪૮ કરોડના ખર્ચે અને સી કેટેગરીના ૨૮૦ આવાસ ૫૩.૨૭ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા હતાં.
ક અને ખ રોડ પર મહાત્મા મંદિર અને રેલ વે સ્ટેશનની યોજના અંતર્ગત અન્ડર બ્રિજ રૂપિયા ૩૦ કરોડના ખર્ચે બનાવાશે. તેમાં અડધો ખર્ચ રેલ વે ચૂકવશે. જ્યારે પૂર્ણ કરેલા ફોર લેન રોડના મહત્વના કામમાં ગાંધીનગર, વાવોલ, ઉવારસદનો ૮.૭ કિલોમીટરના રોડનું કામ ૨૫ કરોડના ખર્ચે અને શાહપુર, લવારપુર રોડને નેશનલ હાઇ વે સાથે જોડવા માટે ૩.૭ કિલોમીટરનું કામ ૧૯ કરોડના ખર્ચે અને કલોલ તાલુકામાં વડસર, ખાત્રજ, ભીમાસર રોડનું ૬ કિલોમીટરનું કામ ૧૦ કરોડના ખર્ચે કરવામા આવ્યા છે.
આ રીતે આગામી દિવસોમાં પાટનગરમાં ૨૮૭ કરોડના ખર્ચે નવા વિકાસકામો હાથ ધરવામા આવશે અને આ મુજબ કામગીરી હાથ ધરવા માટેની હાલ તમામ તૈયારીઓ ચાલી રહી છે. મકાન અને રસ્તાના બાંધકામમાં ગુણવત્તાની જાળવણી માટે વિભાગના સચિવની સીધી જવાબદારી નિયત કરવાની સાથે છ વિભાગિય કચેરીઓને આ કામગીરી સોપવામાં આવી છે. તેમાં સંતોષકારક, સુધારણાને અવકાશ અને બિન સંતોષકારક કામ તરીકે રેટિંગ આપવાની પ્રથા લાગુ કરાઇ છે.
ઉપરાંત મહત્વની યોજનાઓ માં થર્ડ પાર્ટી ઇન્સપેક્શનને ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં તો ફ્રી મેન્ટેનન્સ પિરીયડ ૩ વર્ષના બદલે લંબાવીને ૫ વર્ષ કરાયો છે.