ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા ઐઠોર ઔધોગિક વસાહતનું લોકાર્પણ કરાયું

836

ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે ઔધોગિક વસાહતના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્ર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજ્યમાં નાના-નાના ગામમાં ઔધોગિક વસાહતના નિર્માણથી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થયું છે. ઔધોગિક વિકાસ નિગમ દ્વારા બહુમાળી શેડ,મહિલા ઔધોગિક પાર્ક,એપરલ પાર્ક સહિતના નવીન પાર્કોના નિર્માણ થી ઉધોગનો વિકાસ થયો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ઔધોગિક નિતીના પગલે રાજ્યમાં રોજગારીનું સર્જન થયું છે.૪૭ હેકટરમાં ઐઠોર ખાતે વસાહતના નિર્માણ થકી  સૂક્ષ્મ અને લઘુ ઉધોગકારોને રાહતદરે પ્લોટ મળનાર છે. તેમણે ઉમેર્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતમાં રૂ.૧,૬૬,૦૦૦ કરોડનું મુડી રોકાણ થયું છે જેનાથી સીધી અને પુરક રોજગારી પ્રાપ્ત થનાર છે.

રાજ્યનું અર્થતંત્ર ખેતી અને ઉધોગ પર આધારીત છે. જેથી આ બન્નેનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કટિબધ્ઘ બની છે. રાજ્યમાં માળખાકીય સુવિધા ઓમાં વધારો થવાથી વિકાસની ગતિ તેજ બની છે તેમ જણાવી મહેસાણા-પાલનપુર રસ્તો છ માર્ગીય બનવાનો છે અને ઉંઝા ખેડુત સર્કલ પર બ્રિજ બનનાર છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે તેમ જણાવ્યું હતું. રૂ.૪૯૩.૯૭ લાખના ખર્ચે દાસજથી રણછોડપુરા ખાતે વિસનગરને જોડતા રસ્તા પર નવીન બ્રિજનું લોકાર્પણ કરાયું છે. આ બ્રિજ થકી ચોમાસાની ઋતુમાં રસ્તો ચાલુ રહેવાથી લોકોને રાહત મળશે.

ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઐઠોર ખાતે ૨૭૮ પ્લોટ માટે ૧૩૦૦ અરજીઓ આવી છે.પ્લોટ ફાળવવાની પ્રક્રિયા પારદર્શક રીતે થઇ રહી છે.ગુજરાત ઔધોગિક ક્ષેત્રે વિકાસ મોડલ તરીકે ઉભરી રહ્યું છે અને રાજ્ય રોજગારીનુ સર્જન કરવા અગ્રેસર રહ્યું છે.

કાર્યક્રમમાં સાસંદ જયબહેન પટેલે, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ડાયરેકટર હિંમ્મતભાઇ પડસાળા, પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલ, ઔધોગિક વિકાસ નિગમના એમ.ડી ડી. થારા, જિલ્લા કલેકટર એચ.કે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણી, સહિત જિલ્લાના અધિકારીઓ, નિગમના અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચ સહિત અગ્રણીઓ, ઔધોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા

Previous articleજિલ્લા કોંગ્રેસની આવતીકાલે વિશેષ કારોબારી સભા મળશે
Next articleલોદરા ખાતે પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપાનના પાયલોટ પ્રોજેકટનું ખાતમુર્હુત