રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને પગલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના રાંદેરની પ્રભાતતારા હિન્દી માધ્યમ સ્કૂલ અમાન્ય છે, તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ કોર્ટના નિર્ણય પ્રમાણે, હાલ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
તો આજે સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓએ ડ્ઢર્ઈં કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે, ત્યારે દરેક મનમાં એવો સવાલ ઉભો થઇ રહ્યો છે કે આ નિર્દોષ બાળકોનું શું? સ્કૂલની ભૂલના કારણે બાળકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે? પરંતુ હવે કંઇ થઇ શકે તેમ નથી. શિક્ષણ મંત્રીએ પણ કોર્ટના નિર્ણયને જણાવી દીધો છે. જેથી સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં સુરતના રાંદેરમાં ચાલતી પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાની બોર્ડની માન્યતા ૨૦૧૬માં રદ થઇ ગઇ હોવા છતાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને બેરોકટોક પ્રવેશ આપતી હતી. સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટના હુકમ બાદ સફાળે જાગેલા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સૂર્યદેવ સિંઘ (રહે. ૧૦, લીલાવિહાર સોસાયટી, તાડવાડી), પ્રમુખ અંકિત સુર્યદેવ સિંઘ અને પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાના આચાર્યા ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ માં પોતાના આર્થિક લાભ, મોભા માટે સગીર વિદ્યાર્થીઓને સ્કૂલ માં પ્રવેશ આપીને વિદ્યાર્થી અને વાલીઓ સાથે છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનો ઉલ્લેખ કરાયો છે.