૨૦૦૨ના નરોડા પાટીયા કેસમાં બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બાબુ બજરંગીએ સ્વાસ્થ્ય નબળું હોવાનું જણાવ્યું હતું. જેને લઇ સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે બાબુ બજરંગીના મેડિકલ રિપોર્ટ મંગાવ્યા હતા.
નરોડા પાટીયા હત્યાકાંડમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે સજાને ગુજરાત હાઇકોર્ટ એપ્રિલ ૨૦૧૮માં ૨૧ વર્ષની સજા કરી દેવામાં આવ હતી. ઉલ્લેખનીય છે કે, બાબુ બજરંગી દ્રષ્ટી, સાંભળવાની શક્તિ ઉપરાંત હૃદયરોગ સહિતની બીમારીઓથી પીડાઇ રહ્યાં છે. આ અગાઉ પણ ૨૦૧૪માં આંખની સારવાર માટે હાઇકોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા હતા. આંખની સારવાર માટે જામીન અરજી કરી હતી. આ પહેલા પણ ગુજરાત હાઇકોર્ટે પિતાની સારવાર માટે બાબુ બજરંગીને ૧૦ દિવસના જામીન આપ્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસના કોચને બાળી નાખવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં અયોધ્યાથી મોટી સખ્યામાં કારસેવકો અમદાવાદ આવી રહ્યાં હતા. તેમાં મોટી સંખ્યામાં કારસેવકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી વિશ્વ હિન્દુ પરિષદે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ બંધનું એલાન આપ્યું હતું. તે દરમિયાન નરોડા પાટીયા વિસ્તારમાં ઉગ્ર ભીડે લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો અને જેમાં ૯૭ લોકોની હત્યા કરી હતી.