ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે બીજેપી કાર્યકરોની એક બેઠક મળી હતી. બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધન કર્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી માટે ભાજપ સજ્જ છે. આ પ્રસંગે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોર ભાજપમાં અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યો હોવાની અટકળો પર પણ પ્રતિક્રિયા આપી હતી.આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, “હાર્દિક પટેલનો મૂળ એજેન્ડા હવે સામે આવ્યો છે. ફક્ત દેખાડા માટે જ તે સમાજની વાત કરતો રહ્યો હતો. હું તો એમ પણ કહીશ કે સમાજના નિર્દોષ લોકોના તેણે મોત કરાવ્યા છે. ઉંમરને કારણે ચૂંટણી ન લડી શકે પણ પાછળથી કોંગ્રેસને સમર્થન આપવું, કોંગ્રેસની સભાઓમાં જવું શું આ તેનો સમાજ હતો? હાર્દિકે સમાજને છેતરવાનું કામ કર્યું છે. સમાજ તેને સારી રીતે ઓળખે છે. હાર્દિક અને તેના કહેવાતા આંદોલનકારીઓ ખુલ્લા પડી ગયા છે. હાર્દિકે સમાજની છાતી પર ચડીને નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ કરી છે. સમાજ બધુ જોઈ રહ્યો છે. સમાજ યોગ્ય સમયે હાર્દિકને જવાબ આપશે. ગુજરાતમાં કોંગ્રેસને તમામ લોકો જાણે છે. કોંગ્રેસનો એજેન્ડા સ્પષ્ટ હતો.”
અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો અંગે જીતુ વાઘાણીએ કહ્યુ કે, “અલ્પેશ ઠાકોર સાથે આ બાબતે મારો કોઈ જ વાતચીત નથી થઈ. પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદીની વિચારણસરણીથી પ્રભાવિત થઈને કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાવવા માંગતું હોય તો તેનું સ્વાગત છે. આ અંગે અમારે નહીં પરંતુ ભાજપમાં જોડાવવા માંગતી વ્યક્તિએ નિર્ણય કરવાનો હોય છે. અમે તમામનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.”
આ પ્રસંગે ગુજરાતમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જીતુ વાઘાણીએ કહ્યુ કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસ રાજ્યમાં તમામ ચૂંટણી હારી છે. રાજ્યમાં કોંગ્રેસ નેતૃત્વ વિહિન થઈ છે. કોંગ્રેસ અંદરો અંદર ઝઘડામાં પડી છે. કોંગ્રેસે સારી રીતે વિપક્ષની જવાબદારી પણ અદા નથી કરી. ૨૦૧૯માં પણ અમે પ્રસ્થાપિત કરી દઈશું કે રાજ્યમાં કોંગ્રેસ ક્યાંક નથી. અમે ગુજરાતની તમામ ૨૬ બેઠક જીતીએ છીએ.”