સૂત્રો પાસેથી કોંગ્રેસના જે ૫ ધારાસભ્યોના નામ દર્શાવવામાં આવી રહ્યા છે, તેમાં લલિત વસોયાનું પણ નામ છે. જેના કારણે હાલ કોંગ્રેસના લલિત વસોયાએ ધારાસભ્યોના પક્ષપલટાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. લલિત વસોયાએ જણાવ્યું કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવાહ ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી મારી છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશ. તો પક્ષપલટા અંગે એમએલએ ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું, હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી છે તે અફવાહ છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક ધમકીને વશ થઇશ નહીં. કોંગ્રેસના ૫થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસણાએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટીમાં સૌ કોઇનું સ્થાન છે. અમારી પાર્ટીમાં આવનારને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રાંતના પ્રમુખે પણ આવકાર્યા છે. આજે જ્યારે દેશમાં પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને દેશનું માથું ઉંચુ થઈ રહ્યું છે ત્યારે તેને જોઈ કોઈ પણ આવી શકે છે.