ધો.-૧૦ ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ હરખાયા

760

અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં માં ૧૮.૫૦ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

ગુરૂવારે પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળ ધાણા અથવા ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરૂવારે ધોરણ ૧૦નું ગુજરાતી વિષયનું પેપર સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયું હતું. ધો.-૧૦ ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ હરખાયા. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ફિઝિકસનું પેપર ૩થી ૬.૩૦ વાગ્યા સુધીમાં લેવાઈ. તો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું નામાનાં મૂળ તત્ત્વોનું પેપર ૩થી ૬.૧૫ વાગ્યા સુધીમાં લેવાઈ.

ગુરૂવારે ગાંધીનગર ગુરુકુળ ખાતેની શાળામાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ રૂબરૂ હાજર રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જયારે અમદાવાદ જિલ્લા કલેકટર સાથે ડીઈઓ નક્કી કરાયેલી પસંદગીની સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.

વડોદરામાં વીઆઇપી રોડ પર આવેલી જય અંબે સ્કૂલમાં ધો.૧૦ નો વિદ્યાર્થી ચિરાગ સીસોદીયા વ્હિલ ચેરમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. હરણી વિસ્તારમાં સ્વાદ ક્વાટર્સમાં રહેતો ચિરાગ ૧ માર્ચે મિત્રના ઘરે વાંચવા જઇ રહ્યો હતો ત્યારે તેના ટુ વહીલરને કારે ટક્કર મારી હતી.જેના પગલે તેને પગમાં ૧૫ ટાંકા લેવા પડ્યા હતા.ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી છે પણ ચિરાગ કહે છે કે ઘરે બેસી રહેવાથી મારા આખા વર્ષ ની મહેનત પર પાણી ફરી વળત.એટલે નક્કી કર્યું હતું કે ગમે તે થાય પરીક્ષા તો એવી જ છે. ચિરાગના પિતા અનાજ દળવાની ઘંટી પર કામ કરે છે.તેઓ કહેવા છે કે ચિરાગ ના નિર્ણય સાથે અમે સંમત છે.તેને દર બે દિવસે ડ્રેસિંગ કરાવવું પડે છે .આથી જ તેને વહીલચેર પર પરીક્ષા આપવા આવવું પડ્યું છે.

૫૪ વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાયું, શિક્ષણમંત્રી બોલ્યા  ‘કોર્ટનો નિર્ણય શિરોમાન્ય’

શિક્ષણ બોર્ડની માન્યતા વિના ચાલતી અને પોલીસ ફરિયાદને કારણે વિવાદમાં ઘેરાયેલી રાંદેરની પ્રભાતતારા શાળામાં ભણતા ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડના ૫૪ વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાઇ જતા મામલો ગરમાયો હતો. ગુરૂવારે વહેલી સવારમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં આવીને મોટી તોડફોડ કરી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલમાં હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે, શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે, ૨૫મી ફેબ્રુઆરીએ હોલ ટિકીટ વિદ્યાર્થીઓને મળવાની હતી. પરંતુ સ્કૂલ બોર્ડની માન્યતા વગર ધમધમતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા ૫૪ વિદ્યાર્થીઓને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અજાણ હતા. ગુરૂવારે સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ તોડફોડ કરતા વિવાદ વકરતા સ્કૂલમાં સંચાલકોએ સ્કૂલને તાળાબંધી કરી હતી.

બીજી બાજુ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને પગલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના રાંદેરની પ્રભાતતારા હિન્દી માધ્યમ સ્કૂલ અમાન્ય છે, તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ કોર્ટના નિર્ણય પ્રમાણે, હાલ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.

તો ગુરૂવારે સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે, ત્યારે આ નિર્દોષ બાળકોનું શું? સ્કૂલની ભૂલના કારણે બાળકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે..? શિક્ષણ મંત્રીએ પણ કોર્ટના નિર્ણયને જણાવી દીધો છે. જેથી સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.

Previous articleભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશઃ લલિત વસોયા
Next articleઅયોધ્યા મામલામાં મધ્યસ્થી પ્રશ્ને આજે સુપ્રીમનો ચુકાદો