ઉત્તરપ્રદેશના મેરઠમાં આવેલા સ્લમ વિસ્તારમાં એક અફવાના કારણે ૧૦૦થી વધુ ઝૂંપડા સળગીને રાખ થઈ ગયા. મેરઠના કેંટ વિસ્તારમાં આવેલી મલિન સ્લમ વિસ્તારમાં કેંટ બોર્ડની ટીમ પોલીસ સાથે ગેરકાયદે દબાણ હટાવવા માટે ગઈ હતી. તેવા સમયે અફવા ફેલાઈ કે પોલીસ અને બોર્ડની ટીમ ગેરકાયદે વસૂલી કરવા આવી રહી છે. જે બાદ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં વાત એટલી હદે વણસી ગઈ કે લોકોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી દીધો. જો કે ત્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. જોકે સ્થાનિક લોકોએ પોલીસ દ્વારા આગ લગાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
ઝૂંપડાઓમાં રહેલા ગેસ સિલિન્ડરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ૧૦૦થી વધુ ઝૂંપડા સળગીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જો કે આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને કેટલાક વાહનોમાં પણ આગ ચંપી કરી હતી. જેમાં કેટલીક સરકારી બસો અને કેટલાક વાહનોને આગને હવાલે કરી દીધા હતા.આ દરમિયાન પોલીસ અને સ્થાનિક વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ અને કેટલાક સ્થાનિક લોકોને પણ ઈજા પહોંચી હતી. જે ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે આટલો મોટો હંગામો થઈ ગયો તે તો જેમનું તેમ જ છે. જોકે આ મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને આ મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.