ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે જમ્મુના એક બસ સ્ટેન્ડ ઉપર આજે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. આ ગ્રેનેડ હુમલામાં એકનું મોત થઇ ગયું હતું અને અન્ય ૩૨ લોકો ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ હુમલાની જવાબદારી હિઝબુલ મુઝાહિદ્દીને લીધી હોવાના અહેવાલ પણ મળ્યા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકના ઓપરેશન કરવાની પણ ફરજ પડી છે. પુલવામા ત્રાસવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનો એલર્ટ ઉપર હતા. હુમલાખોરની ઓળખ કરી લેવામાં આવી છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોએ કહ્યું હતું કે, એક શકમંદ હુમલાખોરે ગ્રેનેડ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતો. સાંપ્રદાયિક શાંતિના માહોલને બગાડવાના હેતુસર આ હુમલો કરાયો હતો. આ ગ્રેનેડ હુમલામાં ૧૭ વર્ષના મોહમ્મદ શારિકનું મોત થયું હતું. ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
બપોરના સમયમાં બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો હતો. વિસ્ફોટના લીધે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલી એક બસને વધારે નુકસાન થયું હતું. જ્યારે પણ વધારે એલર્ટ હોય છે ત્યારે વધારે ચકાસણી કરવામાં આવે છે. આ ગ્રેનેડ ચાઈનીઝ બનાવટનો હોવાનું જાણવા મળે છે. પહેલા પણ આ વિસ્તારમાં આતંકવાદીઓ હુમલા કરી ચુક્યા છે. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બ્લાસ્ટનો હેતુ સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો હતો.
જમ્મુમાં વહીવટીતંત્રએ શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગયા વર્ષે ૨૯મી ડિસેમ્બરના દિવસે ત્રાસવાદીઓ બસ સ્ટેન્ડને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. તે વખતે ત્રાસવાદીઓ બસ સ્ટેન્ડ ઉપર ગ્રેનેડ ઝીંકીને ભાગી ગયા હતા. એ વખતે કોઇ નુકસાન થયું ન હતું. બસ સ્ટેન્ડની નજીક પોલીસ સ્ટેશન હોવા છતાં ત્રાસવાદીઓ વારંવાર હુમલામાં સફળ કેમ થઇ રહ્યા છે તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. હિઝબુલ મુઝાહિદ્દીન સાથે આ ગ્રેનેડ બ્લાસ્ટમાં કનેક્શન નિકળતા પોલીસ સાવધાન થઇ ગઇ છે. ઉત્તરાખંડમાં હરિદ્વારના નિવાસી ૧૭ વર્ષીય શારીકનું મોત થયું છે. મોડેથી આ સંદર્ભમાં જમ્મુના આઈજીપી એમકે સિંહા દ્વારા માહિતી આપવામાં આવી હતી. નાગરોટા ખાતે ટોલ પ્લાઝાથી પોલીસે મુખ્ય શકમંદની ધરપકડ કરી લીધી છે. જમ્મુ શહેરના વચ્ચોવચ આવેલા અને હંમેશા ભરચક રહેતા સામાન્ય બસ સ્ટેન્ડ ઉપર આ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો હતો. યાસીર હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી ફારુક સાથે સંપર્કમાં હતો. સીસીટીવી ફુટેજના આધાર પર તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પુછપરછ દરમિયાન ભટ્ટે કહ્યું હતું કે, ફારુક પાસેથી આ ગ્રેનેડ મેળવ્યો હતો. કુલગામમાં ગ્રેનેડ મેળવ્યા બાદ સવારે જમ્મુ પહોંચ્યો હતો. ગયા વર્ષે મે મહિના બાદથી જમ્મુ બસ સ્ટેન્ડ પર ત્રાસવાદીઓ દ્વારા ત્રીજો ગ્રેનેડ હુમલો છે. ઇજાગ્રસ્તો પૈકી ૧૧ લોકો કાશ્મીરના છે. બે બિહારના છે જ્યારે છત્તીસગઢ અને હરિયાણાના એક એક નાગરિકનો સમાવેશ થાય છે. બીસી રોડ ઉપર ઉંડી તપાસ ચાલી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ શહેરમાં આ પ્રકારના હુમલાઓને લઇને કોઇપણ ઇન્પુટ ન હતા. હંમેશા મજબૂત સુરક્ષા રાખવામાં આવે છે. સુરક્ષાના ભાગરુપે ગ્રેનેડ બ્લાસ્ટ બાદ ઇજાગ્રસ્તોને તરત હોસ્પિટલ ખસેડાયા હતા. આ બ્લાસ્ટ રોડની બાજુએ થયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો હતા.