વિધાનસભાની રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નીતિનભાઇ પટેલ

701
gandhi28122017-1.jpg

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત વિધાનસભાના વિઠ્ઠલભાઇ પટેલ ભવનની રીનોવેશન કામગીરી ફેબ્રુઆરી-૨૦૧૮ માં પૂર્ણ થનાર છે અને આગામી બજેટ સત્ર પણ ત્યાં જ યોજાય તેવા રાજ્ય સરકારના પ્રયત્નો છે. 
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલ રીનોવેશન કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે ગુજરાત વિધાનસભાના ભવનનું રીનોવેશન ચાલી રહ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ અને વિધાનસભા સચિવાલયના સંયુક્ત સહયોગથી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે કામગીરી આગામી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થનાર છે. 
રીનોવેશન બાદ નવું વિધાનસભા ભવન દેશનું સૌ પ્રથમ અદ્યતન સુવિધાથી સજ્જ બનશે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, મંત્રીઓના કાર્યાલય, વિપક્ષના નેતાનું કાર્યાલય તથા ધારાસભ્યોને પણ મોકળાશ રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષના તેમજ વિપક્ષના સભ્યો માટે અલાયદા કમિટી રૂમ, કોન્ફરન્સ હોલ, અદ્યતન લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
લોકશાહીનું મંદિર એવી ગુજરાત વિધાનસભાના પરિસરમાં ભોંયતળીયે મ્યુઝીયમ બનાવાયું છે. જેનો મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લઇ શકશે. આ મ્યુઝીયમમાં ઐતિહાસિક સ્થાપત્યો, આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહાન નેતાઓ સહિત ક્રાંતિવીરો, શહીદોનું ચિત્રાંકન પણ નિદર્શીત કરવામાં આવશે. 
વિધાનસભા ગૃહમાં સાઉન્ડ સીસ્ટમ પણ અત્યાધુનિક ગોઠવવામાં આવશે. તેમજ ૨૦૨૫ સુધીમાં વિધાનસભામાં સભ્યોની સંખ્યામાં વધારો થવાનો નથી. તેમ છતાંય પણ ૨૦૨૫ ની વસતી ગણતરી મુજબ જો વિધાનસભાના સભ્યોની સંખ્યા વધે તો તે માટે પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. 
આ મુલાકાત વેળાએ વિધાનસભા સચિવાલયના સચિવ ડી. એમ. પટેલ, માર્ગ-મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા સહિત વિધાનસભા સચિવાલય અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી અને નાયબ મુખ્યમંત્રીએ વિવિધ સૂચનાઓ પણ આપી હતી. 

Previous articleકોંગ્રેસ દ્વારા ડૉ. સી. જે. ચાવડાનો સત્કાર સમારંભ
Next article૨૫મી નેશનલ સાયન્સ કોંગ્રેસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી