ગુરૂવારથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે જ ધોરણ ૧૦માં પાલનપુરની વિદ્યાર્થીની પોતાનો નંબર ડીસા આવ્યો છે એમ સમજી ડીસા ગઈ હતી. જોકે ત્યાં જતા ખબર પડી હતી કે નંબર પાલનપુર જ આવ્યો છે. પરંતુ પાછા ફરતા ડીસામાં ટ્રાફિક નડતા મોડું થતા તે ૨૦ મિનિટ મોડી પડતા તેને પરીક્ષામાં બેસવા દેવાઇ નહોતી. જેથી તેનું એક વર્ષ બગડી ગયું છે.
પાલનપુર શહેરમાં રહેતી અમીયા ડામોર નામની વિદ્યાર્થીનીનો નંબર પાલનપુરની ડીસા હાઇવે પર આવેલી રાજારામ ગુરુકુલ સ્કૂલમાં આવ્યો હતો. વિદ્યાર્થિનીને અપાયેલી રીસીપ્ટમાં સરનામા માં ડીસા હાઇવે લખેલું હોવાથી વિદ્યાર્થીની ડીસા પહોંચી ગઇ હતી.
પરંતુ ડીસામાં રાજારામ ગુરુકુળ નામની કોઇ સ્કૂલ ન હોવાથી અને રાજારામ ગુરુકુળ શાળા પાલનપુરમાં જ આવેલી હોવાથી તે ફરી પાલનપુર રાજારામ ગુરુકુળ સ્કૂલમાં ૨૦ મિનિટ મોડી આવી હતી. જોકે તેને સ્કૂલના સંચાલકોએ પરીક્ષામાં બેસવા દીધી ન હતી.
રિસિપ્ટમાં સરનામું સમજવાની ભૂલમાં એક વર્ષ બગડ્યુંઃ ગભરાઇ ગયેલી છાત્રાએ અનેક વિનંતીઓ કરી હોવા છતાં સ્કૂલ સંચાલકોએ તેને બહારનો રસ્તો બતાવી દીધો હતો. હતાશ થયેલી છાત્રા યોગ્ય માર્ગદર્શન મેળવવા કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાંથી ફરજ પરના કર્મીઓએ જિલ્લા શિક્ષણ વિભાગનું ધ્યાન દોરતા છાત્રાને અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હતું. છાત્રાને લઇને આવેલા વાલીએ જણાવ્યું હતું કે રિસિપ્ટમાં સરનામું સમજવાની ભૂલમાં વર્ષ બગડી ગયું છે.