ગોલ્ડ સ્કીમના નામે કરોડો રૂપિયા લઇને ભાગી છૂટેલા સુરત, સરથાણાના ઠગ દંપતિ સામે સરથાણા પોલીસ મથકમાં રૂપિયા ૨.૧૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં પોલીસે રાજકોટથી રજની લાખાણી અને પત્ની જલ્પા રજની લાખાણીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે રજની મૂળ જુનાગઢના વિસાવદર તાબેના સરસાઇ ગામનો છે. તેણે સુરતમાં થોડા સમય પહેલા પેલેડીયમ મોલ ખાતે ઓફિસ ભાડે રાખી તેમાં ગોલ્ડ તથા વિદેશી કરન્સીનો ધંધો ચાલુ કર્યો હતો. અલગ-અલગ વ્યકિતઓ પાસેથી પૈસા લઇ તેઓને ચેક તથા પ્રોમીશરી નોટ આપી પૈસા પોતાની પત્નિ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
આ છેતરપિંડીમાં અજયની પત્ની જલ્પા પણ લોકોને વિશ્વાસમાં લઇ ફોન કરી ગોલ્ડમાં નાણા રોકવા અને વિદેશી કરન્સી મેળવવા લલચાવતી હતી. આ રીતે પતિ-પત્નિએ અનેક લોકો સાથે છેતરપીંડી કરી હતી અને સુરતમાં ગુનો નોંધાતા રાજકોટ ભાગી આવ્યા હતાં અને ભાડેથી રહેતાં હતાં.
આ દંપતીએ લોકોને ગોલ્ડ લોનમાં રોકાણ કરી દોઢ ગણો લાભ અપાવવાની લાલચ આપી અંદાજે રૂપિયા ૨,૧૦,૫૦,૦૦૦ એકઠા કરીને યોગીચોકની ઓફિસના પાટિયા પાડી દીધા હતા. ઓફિસ બંધ કરીને દંપતિ ભાગી છૂટતા ગોલ્ડ લોનમાં રોકાણ કરનારા લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં સરથાણા પોલીસ મથકે ધસી ગયા હતા. છેવટે રજની લાખાણી તથા જલ્પાબહેન લાખાણી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમની ધરપકડ કરવામાં આવી છે.