ગુજરાત કોંગ્રેસમાં હડકંપ, માણાવદર MLA જવાહર ચાવડાનું રાજીનામું, BJPમાં જોડાયાં

862

લોકસભા ચૂંટણીને જાહેર થવાનું કાઉન્ટડાઉન જોવામાં આવી રહ્યું છે તેવા નાજૂક સમયમાં ગુજરાત કોંગ્રેસ માટે માઠાં સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય, જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જૂનાગઢ કોંગ્રેસમાં દાયકાઓથી જેમનું પ્રભુત્વ રહ્યું છે તેવા પેથલજી ચાવડાના પુત્ર એવા માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડા ગણતરીના કલાકોમાં ભાજપમાં જોડાઈ ગયાં છે. ચર્ચા એ પણ છે કે તેમને પણ પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે.વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે જવાહર ચાવડાનું રાજીનામું સુપરત કરવામાં આવ્યું હતું. જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહીર નેતા છે. તેમના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતાં હતાં. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે આ શોકિંગ ઘટના છે. તેઓની કોઈ નારાજગી પક્ષ પ્રત્યે રહી હોય તેવું અમને લાગ્યું નથી. કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું છે તે વિશે અમને નક્કર કારણ સમજાતું નથી. ભાજપને ખ્યાલ છે કે તેમની સીટોમાં ખૂબ મોટો ઘટાડો થવાનો છે એટલે અમારા સીનિયર સભ્યોને તોડીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની ગણતરી કરી રહ્યો છે. કોંગ્રેસની લોકસભામાં ૦ સીટ છે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ કરતાં એક સીટ વધુ જીતીને બતાવશે.ઉલ્લેખનીય છે કે આશાબહેન પટેલ બાદ કોંગ્રેસની આ વધુ એક વિકેટ પડી છે. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ આશાબેન ભાજપમાં જોડાયાં હતાં. છેલ્લાં બે અઠવાડિયામાં કોંગ્રેસની બીજી વિકેટ પડી છે. આ સાથે ગૃહમાં પણ કોંગ્રેસનું સંખ્યબળ ઘટ્યું છે.જવાહર ચાવડા કોંગ્રેસની ટિકિટ પરથી ૧૯૯૦-૯૫ના વર્ષમાં ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયાં હતાં. ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૮૭માં તેઓ માણાવદર બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે જ્ઞાતિ સમીકરણોને જોતાં જો ભાજપ તેને જૂનાગઢમાંથી ચૂંટણી લડાવે તો આહીર અને કોળી મતદારોને કારણે  ભાજપ આ બેઠક સરળતાથી મેળવી શકે છે.

ભાજપમાં મુખ્યાલય કમલમ ખાતે જવાહર ચાવડાને પ્રદેશ નેતાઓ ભરત પંડ્‌યા સહિતના નેતાઓએ ભાજપમાં કેસરીયો ખેસ પહેરાવીને વિધિવત પ્રવેશ આપવા સાથે આવકાર્યાં હતાં. આ સમયે જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષમાં રહીને લોકોની સેવા વધુ સારી રીતે કરી શકાશે. તેમણે નરેન્દ્ર મોદીને ગુજરાતના પનોતા પુત્ર કહીને તેમના હાથ મજબૂત કરવાની જરુર હોવાનું જણાવ્યું હતું.

Previous articleભાજપાને પોતાના કાર્યો અને સંગઠન પર વિશ્વાસ નથી, તેથી કોંગ્રેસ ધારાસભ્યો તોડી રહી છે : અમિત
Next articleકોંગ્રેસને એક દિવસમાં બીજો ઝટકો, હવે MLA પરસોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામુ