કોંગ્રેસને આજે એક જ દિવસમાં બીજો ઝટકો. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસ એક જોડેને તેર તૂટે તેવા હાલ થઈ રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાને હજુ ગણતરીના કલાક જ થયા છે તેવામાં કોંગ્રેસના વધુ એક નેતાએ કોગ્રેસને રાજીનામું ધરી દીધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. કોગ્રેસના ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસને રાજીનામું સોંપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પક્ષ છોડતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ મુદ્દે પરસોત્તમ સાબરીયાએ કહ્યું છે કે, મને રાજીનામા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી, વિકાસના કામો કરવા છે તેથી મે રાજીનામું આપ્યું છે, મને આદેશ મળશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ.
ઉલ્લેખનીય છે કે, આજે જ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે.
આ પહેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો. તે પહેલા કુંવરજી બાવળીયાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપો ખેસ ધારણ કરી લીધો છે.
હમણાં થોડી મીનિટો પહેલા જ માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાના રાજીનામા અને ભાજપમાં જોડાવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો રોષ વ્યક્ત કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપને પોતાના સાશનમાં કરેલી કામગીરી અને પોતાના કાર્યકરો કે સંગઠનો પર હવે વિશ્વાસ નથી રહ્યો તે માટે કોંગ્રેસના દારાસભ્યો તોડી લોકસભા ચૂંટણી જીતવા હવાતીયા મારી રહી છે. પરંતુ આ દેશની પ્રજા લોકશાહીનું અમાન કરનારાને જવાબ આપશે.