ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડે ગુમાવ્યા બાદ કેપ્ટન કોહલીએ દરેક ખેલાડીને વિશ્વ કપથી પહેલા સખ્ત ચેતવણી આપી છે. કોહલીએ કહ્યું કે, “ઇંગ્લેન્ડ ગયા પહેલા ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ ફૉર્મ દર્શાવવું પડશે, નહીં તો બહાર બેઠેલા ખેલાડીઓ આ તકનો લાભ લેવાનો પ્રયત્ન કરશે.” વિરાટે કહ્યું કે, “બોલિંગ દરમિયાન અમને લાગી રહ્યું હતુ કે અમે ૩૫૦ રનનાં લક્ષ્યનો પીછો કરી શકીશું. ગ્લેન મેક્સવેલનાં આઉટ થયા બાદ અમને લાગ્યું કે આ લક્ષ્યનો પીછો કરી શકીશું.
અમને જણાવવામાં આવ્યું હતુ કે સાંજે ૭ વાગ્યા પછી ઝાકળ પડવાનું શરૂ થશે, જેનાથી રન બનાવવા સરળ રહેશે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આવું થયું નહીં.”
કોહલીએ કહ્યું કે, “બેટિંગ કરવા દરમિયાન વિકેટ પર વધારે મદદ નહોતી મળી રહી. જ્યારે અમે ૩ વિકેટ ગુમાવી દીધી ત્યારે પણ અમે મેચમાં હતા, પરંતુ ૫ વિકેટ પડ્યા બાદ મુશ્કેલીઓ વધી. મારા અને વિજયનાં આઉટ થયા બાદ ટીમે જલ્દી-જલ્દી વિકેટ ગુમાવી દીધી, જે અમે નહોતા ઇચ્છતા.” ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું કે, “મે મારી નેચરલ ગેમ રમી, પરંતુ દુઃખની વાત છે કે હું એ સમયે આઉટ થયો જ્યારે ભારતની જીતમાં બૉલ અને રનમાં ફક્ત ૨૦ બૉલનો જ ફર્ક હતો.”