પર્યાવરણ અને જાહેર સ્વચ્છતાને હાની પહોંચાડનાર પ્લાસ્ટિક બોટલના રચનાત્મક ઉપયોગને લઈ તારીખ ર૭એ શિશુવિહાર સંસ્થામાં કાર્યશાળા યોજાઈ. હીરાબેન ભટ્ટ અને સ્વ.અંજન ભરતભાઈ પંડયાની પૂણ્યસ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતા હસ્ત ઉદ્યોગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ પ થી ૮ના વિદ્યાર્થીઓ શિશુવિહારમાં યોજાતી સ્પર્ધામાં બે કલાકની સમય મર્યાદામાં પાણી અથવા સોફ્ટ ડ્રિંક્સની નાની-મોટી વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી ફ્લાવરવાઝ, પેન સ્ટેન્ડ, સેંડક્લોક, જાતભાતના રમકડા, તોરણ, પેપર વેઈટ પ્રકારે આર્ટિકલો બનાવવામાં આવ્યા હતા.
સ્પર્ધાના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-પુસ્તક પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમ કુલ ર૦ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવેલ. આધુનિક્તાના નામે પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રચનાત્મક દ્રષ્ટિથી જોવા વિદ્યાર્થીઓ ટેવાય તે માટેના પ્રયત્નમાં ભાગીદાર થવા લતાબેન શાહ, ધનરાજભાઈ કોઠારી, દક્ષાબેન ભટ્ટ, મહિપતભાઈ પરમાર, આમંત્રિતો, નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.