પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો માહોલ વધારે ગરમ થઇ ગયો છે. આને જોતા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે, પરંતુ આઈસીસીએ આને લઇને સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રકારની માંગને આતંરરાષ્ટ્રીય ક્રિકેટ મંચ પર સ્વીકાર નહીં કરવામાં આવે. આ દરમિયાન પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટીમ ઇન્ડિયાને લઇને એવું નિવેદન આપ્યુ છે જેને સાંભળીને દરેક ભારતીયને ગુસ્સો આવશે.ફવાદ ચૌધરીએ પાકિસ્તાની ક્રિકેટ બૉર્ડને ભારતીય ક્રિકેટ બૉર્ડની આઈસીસીને ફરિયાદ કરવાનો આગ્રહ કર્યો છે. પોતાના ઑફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર ફવાદ ચૌધરીએ લખ્યું છે કે, ‘આ ફક્ત ક્રિકેટ નથી.
મને આશા છે કે આઈસીસી રમત પર થઇ રહેલી રાજનીતિને લઇને કાર્યવાહી કરશે. જો ભારતીય ક્રિકેટ ટીમ આ બધુ બંધ નહીં કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે બ્લેક બેંડ પહેરીને ઉતરવું જોઇએ અને સંપૂર્ણ દુનિયાને કાશ્મીરમાં થઇ રહેલા ભારતનાં અત્યાચારોને ઉજાગર કરવા જોઇએ.’
પાકિસ્તાનનાં મંત્રીએ પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘પીસીબીને આગ્રહ કરું છું કે આ સંબંધે ઔપચારિક વિરોધ પ્રદર્શન કરે.’ આ પહેલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને પૂર્વ ભારતીય ક્રિકેટર્સની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી હતી. જો કે થોડાક દિવસો પહેલા આવેલા સમાચારો પ્રમાણે આઈસીસીએ બીસીસીઆઈની આ માંગને ઠુકરાવી દીધી છે.