ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પચાસ ઓવરની મેચોના આગામી વર્લ્ડ કપ પછી પણ રાષ્ટ્રના પીઢ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને રમવાનું ચાલુ રાખવા માટે પોતાનો ટેકો આપતા કહ્યું હતું કે જેની પાસે રમતનો કસબ હોય તેને ઉંમરનો મુદ્દો લાગુ પડતો નથી. આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના વર્લ્ડ કપનું ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી આયોજન થનાર છે અને ક્રિકેટરસિકોમાં એવા અનુમાન કરાઈ રહ્યા છે કે આ મહાકાય સ્પર્ધા ધોનીનો છેવટનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ હશે. પણ ગાંગુલી આ માટે જુદું વિચારે છે.
“ધોની વર્લ્ડ કપ પછી પણ રમવાનું ચાલુ રાખી શકે છે. ભારત વર્લ્ડ કપ જીતે અને ધોનીનો જો સારો દેખાવ કરે તો શા માટે તેણે નિવૃત્તિ લેવી જોઈએ, એમ ગાંગુલીએ આ સમાચાર સંસ્થાને કહેતા ઉમેર્યું હતું કે જેની પાસે રમતનો કસબ રહેતો હોય તેને ઉંમરનો મુદ્દો લાગુ પડતો નથી.
ગાંગુલીએ ભારતના વર્તમાન ફાસ્ટ બૉલિંગના આક્રમણને ઘણું સારું લેખાવ્યું હતું અને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ અને મોહંમદ શમીની જોડી વર્લ્ડ કપમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ગાંગુલીએ કહ્યું હતું કે ભારત વર્લ્ડ કપ જીતવા એક ફેવરિટ ટીમ છે અને આ સ્પર્ધા માટે તેણે સંભવિત ૧૫-ખેલાડીની પોતાના અભિપ્રાય પ્રમાણે નીચે મુજબની ટીમ જાહેર કરી હતીઃ રોહિત શર્મા, શિખર ધવન, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, અંબાતી રાયુડુ, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી, ભુવનેશ્ર્વર કુમાર અને ઉમેશ યાદવ.