અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે. અમેરિકન નાગરિકને પે-ડે લોનના નામે ફોન કરીને છેતરપિંડી કરનાર એક મહિલા સહિત ત્રણ આરોપીને ખોખરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઇલ, મેજિક જેક સહિત ૧.૬૦ લાખ રોકડા મળીને ૩.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બોગસ કોલ સેન્ટરનું એપી સેન્ટર પૂર્વ વિસ્તાર બની ગયુ છે. ખોખરાના ભાગ્યોદય નગરમાં ૭૬ નંબરના મકાનમાં બોગસ કોલ સેન્ટર ચાલતુ હોવાનુ પોલીસને બાતમી મળતા પોલીસ રેડ કરવા પહોચી હતી. ત્યાં ઘરના સભ્યો જ હતા જો કે પોલીસે ઘરની તલાસી લેતા અંદર એક રૂમમાં કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ હતુ. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો કોલ સેન્ટર ચલાવતા હતા.
પોલીસ તપાસ કરતા ઘરના માલિક વિનય ઉર્ફે વિક્કી મકવાણા જ કોલ સેન્ટર સંચાલક હતો. જે છેલ્લા છ મહિનાથી ઘરમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી વિનય ઉર્ફે વિક્કી મકવાણા સાથે તેનો મિત્ર હિરેન દેસાઇ અને સુચિતા શુક્લા નામની મહિલા મળીને કોલ સેન્ટર ચલાવતા હતા.
ઝડપાયેલ ત્રણે આરોપી અમેરિકાના નાગરિકોને પેડ લોન નામે ઠગાઇ આચરતા હતા. જેમાં અમેરકિન નાગરિકને લોનના પૈસા ભરપાઇ કરવા માટે અને લોન આપવા વેરિફિકેશન પૈસા ભરવા અલગ અલગ રીતે પૈસા પડાવતા હતા.
ઝડપાયેલ આરોપી અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યા છે. જેમાં મુખ્ય આરોપી વિનય ઉર્ફે વિક્કી મકવાણાની પુછપરછમાં સામે આવ્યુ છે કે અમેરિકાથી લીડ મેળવતા હતા. જ્યાં વી.કે નામના શખ્સ પાસેથી એક લીડ ૧૦૦ રૂપિયા દ્ધારા આપવામાં આવતી હતી. ત્યારે ઠગાઇ કરેલા પૈસા પણ વી.કે નામના શખ્સ હવાલા મારફતે અમદાવાદ મોકલતો હોવાનુ સામે આવ્યુ છે. આરોપી વિનય મકવાણા અને હિરેન દેસાઇ એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે ત્યારે સુચિતા શુક્લા સોફ્ટવેર એન્જીનિયર છે. ઠગાઇના પૈસાથી આરોપી વિનય મકવાણા દ્રારા હિરેન દેસાઇ અને સુચિતા દેસાઇને ૨૦ ટકા લેખે આપવામાં આવી રહ્યા હતા.
ખોખરા પોલીસે ઝડપેલ કોલ સેન્ટર છેલ્લા છ મહિનાથી ચાલતુ હતુ. પરંતુ થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ બ્રાચે અમદાવાદથી બોગસ કોલ સેન્ટર ઝડપ્યુ હતુ તે સમયે આરોપી વિનય મકવાણા કોલ સેન્ટર બંધ કરી દીઘુ હતુ પરંતુ છેલ્લા આઠ દિવસથી ફરી શરૂ કર્યુ હતુ. આરોપી વિનય મકવાણા પુછપરછમાં કહેવુ છે કે નવુ ઘરના બનાવવા માટે કોલ સેન્ટર શરૂ કર્યુ હતુ. ત્યારે ખોખરા પોલીસ ત્રણે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને કોલ સેન્ટરમાં અન્ય કેટલા આરોપીની સંડોવણી છે સાથે જ અત્યાર સુઘીમાં કેટલા પૈસાની ઠગાઇ આચરવામાં આવી છે તેની તપાસ શરૂ કરી છે.