રાજયના મહેસુલ કર્મીઓની માસ સીએલથી કામગીરી ઠપ

1096

મહેસૂલી કર્મચારીઓ દ્વારા ગત તારીખ ૫મીએ તેમની વિવિધ માગણીના ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની સાથે જો સરકાર તરફથી હકારાત્મક નિર્ણયો લેવામાં નહીં આવેતો તારીખ ૮મીએ માસ સીએલ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી.

આખરે સરકારે કોઇ પ્રતિભાવ નહીં આપતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની હડતાલ કમિટીની જાહેરાત મુજબ તારીખ ૮મીએ જિલ્લાના ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસાના વર્ગ ૩ના ૪૦૦ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને રાબેતા મુજબની ફરજથી અળગા રહ્યા હતા. પરિણામે જિલ્લા અને તાલુકા મથક પર અરજદારોને રીતસરના ધક્કા થયા હતા. હજુ પણ સરકાર તરફથી પ્રતિભાવ નહીં અપાય તો આંદોલનને ઉગ્ર બનાવાશે તેમ હડતાલ કમિટીના ચેરમેન વિરમભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ.

કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં સીધી ભરતીના નાયબ મામલતદારોને પાંચ વર્ષ પુરા થતા નિયમિત પગારના આદેશ કરવા, ક્લાર્ક સંવર્ગને જિલ્લામાં ખાલી જગ્યા હોવા છતાં પ્રમોશનથી અન્ય જિલ્લામાં ફાળવ્યા છે તેને મુળ મહેકમના જિલ્લામાં મુકવા, ક્લાર્ક અને રેવન્યુ તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા અને તેમાં ૨૦૦૯ની બેચના તમામને સમાવવા, પ્રવરતા ક્રમ ૧૪૦ સુધીના નાયબ મામલત દારને મામલતદારના પ્રમોશન આપવા, સીધી ભરતીના નાયબ મામલતદારોની પુર્વ સેવા પરીક્ષાનું પરિણામ જાહેર કરવા, નાયબ મામલતદારથી મામલત દારનું સિનીયોરીટી લિસ્ટ જાહેર કરવા સમાવેશ થાય છે.

રાજ્યના મહેસુલી વિભાગના કર્મચારીઓના માસ સીએલને પગલે દહેગામ તાલુકા સેવા સદનમાં પ્રજાની અવરજવરની ધમધમતુ રહેતું ઇ ધરા કેન્દ્ર બંધ રહેતાં ખાલીખમ જોવા મળ્યુ હતુ. માસ સીએલના પગલે મહેસુલી કામકાજ માટે આવેલા અરજદારોને ધક્કો પડયો હતો. કર્મચારીઓ દ્વારા માસ સીએલ કરીને લડાયક મિજાજનો પરચો આપી દેવાયો છે.

હવે સરકાર હકારાત્મક પ્રતિભાવ નહીં આપે તો તારીખ ૧૧મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાનું એલાન અપાયું છે. હાઇકોર્ટે ફિક્સ પગાર નીતિ રદ કરવાનો આદેશ વર્ષ ૨૦૧૨માં આપ્યા પછી આ ચૂકાદાને સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. તે પીટીશન પરત ખેંચીને ફિકસ્‌ પગાર નીતિ રદ કરવાની મુખ્ય માગણી કરાઇ છે.

Previous articleઅમદાવાદમાંથી વધુ એક કોલસેન્ટર ઝડપાયુ : અમેરીકન નાગરિકોને છેતરતાં હતા
Next articleપગારવધારાની માંગણી સહિત આશા વર્કરોએ મહિલા શક્તિ દેખાડી