પગારવધારાની માંગણી સહિત આશા વર્કરોએ મહિલા શક્તિ દેખાડી

716

આશાવર્કરો, ફેસિલિટેટર, આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષણમાંથી બહાર કાઢવાની માંગણી ઉઠી છે. પગાર વધારા સહિતની માંગણીઓ સાથે વિશ્વ મહિલા દિને રાજ્યભરમાંથી ત્રણસો થી વધારે આશાવર્કરોનું સત્યાગ્રહ છાવણી ખાતે સંમેલન યોજાયું હતું.

વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય તેમજ શૈક્ષણિક યોજનાઓને લોકો સુધી પહોંચવાની કામગીરી કરતી આશાવર્કરો, ફેસિલિટેટર, આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોના પ્રશ્નો ઉકેલવામાં આવે તો સાચા અર્થમાં મહિલા દિનની ઉજવણી ગણાય તેવી માગણી કરાઇ છે.

કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આશાવર્કર ફેસિલિટેટર, આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને માસિક રૂપિયા ૨૧૦૦૦નું લઘુત્તમ વેતન આપવું. રેગ્યુલર મહેકમ ઉભું કરીને કાયમી કરવા જોઇએ. પ્રમોશનનો લાભ આપવો જોઇએ. રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓને આપવામાં આવતી ૧૮૦ દિવસની મેટરનીટી લીવનો લાભ આપવો. ૪૦ વર્ષથી મોટી ઉંમરની બહેનોને પેન્શન યોજનાનો લાભ આપવાની માંગણી કરવામાં આવી છે. સમાન કામ સમાન વેતનનો લાભ આપવો જોઇએ તેમ આશાવર્કરોએ જણાવ્યું હતું. રાજ્યભરમાથી ત્રણસોથી વધારે આશાવર્કરોએ સંમેલનમાં ઉમટી પડી હતી. આશાવર્કરો સહિતના કર્મચારીઓની માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પગાર વધારા સહિતની માંગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે આશાવર્કરોનું સંમેલન યોજાયું હતું.

Previous articleરાજયના મહેસુલ કર્મીઓની માસ સીએલથી કામગીરી ઠપ
Next articleનર્મદા ડેમમાં પર્યાપ્ત પાણી છોડવા મધ્યપ્રદેશની ખાતરી