રાજ્ય સરકારની સૂચનાથી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ શહેર સહિત રાજ્યભરમાં પ્રોપર્ટીકાર્ડ (મિલકતકાર્ડ)ને જે તે મિલકતની જંત્રી, વેચાણ દસ્તાવેજ, હક-દાવા તેમજ પ્રોપર્ટીટેક્સના બોજા સહિતની વિસ્તૃત માહિતી સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. આ લિંકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રોપર્ટીકાર્ડધારક વિદેશમાં બેઠાં બેઠાં જે તે મિલકતની જંત્રી વેચાણ દસ્તાવેજ, હક-દાવા તેમજ પ્રોપર્ટીટેક્સના બોજાની માહિતીને રાજ્યના મહેસૂલ વિભાગની વેબસાઇટ ઇ મિલકત. ગુજરાત. ગવ.ઇન પર ઓનલાઇન જાણી શકશે. આના કારણે મિલકતના વેચાણ કે ખરીદી બાદના વિવાદમાં ઘટાડો થશે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકારના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ સિટી સર્વે ખાતાના પ્રોપર્ટીકાર્ડની મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટીટેક્સના ટેનામેન્ટ નંબર સાથે મેળવણી કરવા ટેક્સ વિભાગના પચાસથી વધુ કર્મચારીઓની ફાળવણી કરી છે. શહેરની સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ-એક, બે અને ત્રણ કચેરી હેઠળના સિટી સર્વે વોર્ડના સિટી સર્વે વિભાગના કર્મચારી સાથે મ્યુનિસિપલ ટેક્સ વિભાગના કર્મચારીઓએ જે તે વિસ્તારમાં સર્વે કરી પ્રોપર્ટીકાર્ડ અને ટેનામેન્ટ નંબરની મેળવણી કરી તેની નોંધ કરવાની રહેશે. આ માટે બન્ને વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ઝડપભેર કામગીરીનો આરંભ પણ કરાયો છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની બે વખત સંયુક્ત મિટિંગ યોજાઇ ગઇ હોઇ આગામી તા.૧૦ માર્ચ સુધીમાં પ્રોપર્ટીકાર્ડ સાથે ટેનામેન્ટ નંબરના લિંકિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે, જોકે શહેરમાં ર.૭ર લાખ પ્રોપર્ટીકાર્ડને મ્યુનિસિપલ તંત્રના ચોપડે ચઢેલી ૧૮ લાખ પ્રોપર્ટી સાથે લિંક કરવાની હોઇ આકામગીરી હજુ વિલંબમાં મુકાશે. જે મ્યુનિસિપલ વિસ્તારમાં સિટી સર્વે નંબર નથી તેવા વિસ્તારમાં ૭/૧રની માહિતી આધારિત કામગીરી ચાલી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારની સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા જે તે મિલકતનો વેચાણ દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યૂટી વિભાગ દ્વારા મિલકતની જંત્રી તેમજ જે તે મિલકત સંબંધી વિભિન્ન કોર્ટમાં ચાલતા હક-દાવા સહિતની માહિતી પણ પ્રોપર્ટીકાર્ડ સાથે લિંક કરાઇ રહી છે. રાજ્ય સરકારના ૧ર૬ કલમના જાહેરનામા અને શહેરની ૯૦ સ્કીમ અંતર્ગત સિટી સર્વેની નોંધાયેલી વિગતના આધારે પ્રોપર્ટીકાર્ડ મેળવવા ઇચ્છુક નાગરિકની અરજીના આધારે પહેલાં નમૂના-ર હેઠળ નોટિસ બજવણી કરીને તેમના દાવાની ખરાઇની પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારબાદ ઠરાવ કરીને તેની નોટિસ-૬ હેઠળ અરજદાર પાસેથી વાંધાસૂચનો મંગાવાય છે. અરજદારના વાંધા-સૂચનના આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનો માર્ગ મોકળો બને છે, જોકે નાગરિકને સ્માર્ટકાર્ડ જેવું પ્રોપર્ટીકાર્ડ અપાતું નથી, પરંતુ સાત/બારની નકલ જેવી પ્રોપર્ટીકાર્ડની નકલ મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેનામેન્ટ નંબર સહિતની વિગતનું પ્રોપર્ટીકાર્ડ સાથે લિંકઅપ કર્યા બાદ વિદેશમાં બેઠાં બેઠાં પણ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની વેબસાઇટ ઇ. મિલકત. ગુજરાત. ગવ.ઇન ઓનલાઇન જે તે મિલકત સંબંધિત વેચાણ દસ્તાવેજ, જંત્રી, હક-દાવા તેમજ બાકી પ્રોપર્ટીટેક્સની વિગત જાણી શકાશે, જેના કારણે જે તે મિલકતનાં વેચાણ કે ખરીદી બાદ થતા વિવાદોમાં ઘટાડો થવા શકયતા છે. નાગરિકોને સેવા ઓનલાઇન પ્રાપ્ત થશે.