હવે ગુજરાત કોંગી સંગઠનમાં ફેબ્રુઆરી બાદ મોટા ફેરફારો

720
guj28122017-9.jpg

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઇ ગયા બાદ હવે આગામી ફેબ્રુઆરી મહિના પછી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરખમ અને મહત્વના ફેરફારો કરવામાં આવે તેવી પૂરી શકયતા સેવાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનના નવસર્જન માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓની ટીમ ઉતરાયણ પછી કમૂર્હતા પૂર્ણ થયા બાદ ગુજરાતની મુલાકાતે આવે તેવી પણ પ્રબળ સંભાવના છે. કોંગ્રેસના સંગઠનમાં નવસર્જનમાં શહેર પ્રમુખથી લઇ પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને માળખાકીય ઘણા મહત્વના ફેરફારો અને બદલાવો થવાની શકયતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે ભાજપને જોરદાર ટકકર આપી પરંતુ ગુજરાતની સત્તા મેળવવામાં કોંગ્રેસને પનો ટૂંકો પડયો અને ગાંધીનગર વેંત છેટુ રહી ગયું. મોં સુધી આવેલો સત્તાનો કોળિયો કોંગ્રેસના હાથમાંથી સરી પડયો, જેનો ભારોભાર વસવસો ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી લઇ રાષ્ટ્રીય નેતાઓ અને ખુદ કોંગ્રેસના દિલ્હીમાં બેઠેલા મોવડીમંડળને પણ છે પરંતુ આ બધો ગમ ભુલાવી નવેસરથી શરૂઆત કરવાની અને ભવિષ્યમાં વિજયી બનવાની આશાઓ સાથે કોંગ્રેસે કમર કસી છે. રાહુલ ગાંધીએ તેમના ગુજરાતના ચૂંટણી પ્રવાસો દરમ્યાન જ પહેલેથી સંકેત આપી દીધો હતો કે, તેઓ ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં મહત્વના અને ધરખમ ફેરફારો કરશે અને પક્ષના સંગઠનને ગુજરાતમાં વધુ મજબૂત, સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવશે. આ સંકલ્પના ભાગરૂપે જ હવે ફેબ્રુઆરી-૨૦૧૮ પછી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો અને બદલાવની દિશામાં વિચારણા ગંભીરતાપૂર્વક ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના સારા અને ઉત્કૃષ્ટ દેખાવની સાથે સાથે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના નબળા દેખાવની પણ મોવડીમંડળ દ્વારા નોંધ લેવાઇ છે અને તેથી શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના મૂળિયા મજબૂત કરવા માટેનું આયોજન ચાલી રહ્યું છે. ખાસ કરીને શહેર જિલ્લા અને તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નબળી કામગીરી પણ સામે આવી હતી તેથી તેની સુધારણા માટેની પણ કવાયત હાથ ધરાશે. કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણી માટે અગાઉ એપ્રિલ-મે મહિનામાં કવાયત હાથ ધરાઇ હતી પરંતુ બાદમાં વિધાનસભા ચૂંટણી જંગને કારણે તે પાછી  ઠેલાતી રહી અને છેવટે પડતી મૂકાઇ. જે હવે આગામી ફેબ્રુઆરી મહિના પછી હાથ પર લેવાય તેવી શકયતા છે. કમૂર્હતા પૂર્ણ થયા બાદ ઉત્તરાયણ પછી કોંગ્રેસના કેન્દ્રીય નીરીક્ષકોની ટીમ ગુજરાતની મુલાકાત લે અને કોંગ્રેસના સંગઠનના ફેરફાર અને ચૂંટણી સહિતની બાબતોનો તાગ મેળવી દિલ્હી મોવડીમંડળને રિપોર્ટ સોંપશે ત્યારબાદ સંગઠનમાં ફેરફાર અને બદલાવની કવાયત હાથ ધરાશે, જેમાં મોટાપાયે અને ધરખમ ફેરફારોની શકયતા છે. 

Previous articleગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ : નલિયામાં પારો ૭.૭
Next articleજે શાળાઓએ વધુ ફી લીધી હશે તેણે ક્રેડિટ આપવી પડશે