વચનામૃત : સર્વશાસ્ત્રોનો સાર

665

જર્મન ઈતિહાસકાર પ્રો.ફ્રેડિક મેક્સમૂલર કહે છે, ્The ancient literature of India opens to us a chapter in what has been called – “The education of the human race, which we can find no parallel else.”અર્થાત્‌ “ભારતનું પ્રાચીન સાહિત્ય આપણા માટે એક પ્રકરણ બોલે છે. જેને ‘માનવજાતનું શિક્ષણ’ કહેવાયું છે. તેના જેવું આપણે બીજે ક્યાંય શોધી શકીએ તેમ નથી.”

હિંદુ ધર્મના અનેકાનેક આધ્યાત્મિક ગ્રંથો છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન આવા ગ્રંથોની સંખ્યા અપાર છે. ભારતના વિવિધ પ્રાંતની વિવિધ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય શૈલીમાં આજ સુધી અધ્યાત્મ વિશે ખૂબ ખૂબ લખાયું છે. એમ કહી શકાય કે અહીં તો આવા ધાર્મિક કે આધ્યાત્મિક ગ્રંથોનો મહાસમુદ્ર છે. ચાર વેદોની હજારો શ્રુતિઓ છે, મહાભારતના એક લાખ શ્લોકો છે. આ ઉપરાંત વિવિધ ઉપપુરાણો, રામાયણો, ઉપવેદો, સ્મૃતિગ્રંથો, ધર્મગ્રંથો, દાર્શનિક ગ્રંથો અને આ સર્વે ગ્રંથો પર લખાયેલા ભાષ્યો, ટીકાઓ, વૃત્તિઓ અને વ્યાખ્યાઓનો કેટલો મોટો સરવાળો થાય?

આ બધું વાંચવાનો અને સમજવાનો અને એમાંથી સારતત્ત્વ શોધી કાઢવાનો આજ કોને સમય છે? તેથી જ ચાણક્ય કહે છે,

શાસ્ત્રો અનંત છે અને વિદ્યાઓ અનેક છે. સમય થોડો છે અને વિઘ્નો ઘણાં છે. માટે જે સારરૂપ હોય તે જ સેવવું જોઈએ. જેમ હંસ પાણીમાંથી દૂધને મેળવી લે છે તેમ બાકી તો આખી જિંદગી વાંચન કરીએ તો પણ પાર આવે તેવું નથી.”

ભગવાન સ્વામિનારાયણે સ્વયં નાની વયે હિંદુ ધર્મના વેદો, પુરાણગ્રંથો, રામાયણ, મહાભારત, સ્મૃતિગ્રંથો અને ષડ્‌દર્શનના તાત્ત્વિક ગ્રંથોનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. તેઓ આ સર્વશાસ્ત્રોનાં સારતત્ત્વ, રહસ્યાર્થ અને સિદ્ધાંતના ત્રૈકાલિક દ્રષ્ટા હતા. તેમણે બાલ્યાવસ્થામાં જ શાસ્ત્રોમાંથી સારભૂત ગૂટકો બનાવ્યો હતો. ફક્ત ૧૦ વર્ષની વયે કાશીમાં યોજાયેલી વિદ્વાનોની સભામાં યોજાયેલા શાસ્ત્રાર્થમાં પ્રકાંડ પંડિતો અને પ્રખર વિદ્વાનોને હરાવી યથાર્થ તત્ત્વદર્શન કરાવીને એક ઈતિહાસ રચ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કર્યા પછી પણ તેઓ અવારનવાર સત્શાસ્ત્રોનું વાંચન કરાવીને શાસ્ત્રોમાંથી રહસ્યરૂપ, સારભૂત વાતો પણ કરતા. તેમનું શાસ્ત્રોના અભ્યાસનું ઊંડાણ તો સમુદ્ર જેટલું જ, પરંતુ તેનો વ્યાપ આકાશ જેટલો હતો. એટલે જ આ વાતો વિશ્વના દરેક માનવીને સુખી કરી શકે એમ છે. આ વાતને દૃઢાવતા વચનામૃતો જોઈએ.

વચનામૃત ગઢડા મધ્ય ૨૧ – “જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વે જગત છે તેના કર્તા તો એક ભગવાન છે.”

વચનામૃત ગઢડા મધ્ય ૨૮ – “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે, તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દમાત્ર છે, તે સર્વેનું કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે.”

વચનામૃતના ઉપરોક્ત સંદર્ભોને વાંચતા-વિચારતાં સ્પષ્ટપણે સમજાય કે ભગવાન સ્વામિનારાયણે જે માર્ગદર્શન આપ્યું છે તે કેવળ કલ્પના નથી કે બુદ્ધિના તર્કો નથી, પરંતુ સર્વશાસ્ત્રોના સારરૂપ છે. માણસ માત્રના સ્વાભાવિક વ્યવહારના અને તેના માનસિક વલણને પારખીને ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ ઊંડાણપૂર્વક મંથન કરીને વચનામૃતરૂપી નવનીત આપણને પીરસ્યું છે. આપણે પણ શાસ્ત્રોના સારતત્ત્વને મેળવીને પૂર્ણ આધ્યાત્મિક સુખ મેળવવા માટે વચનામૃતનો અભ્યાસ કરીએ.(ક્રમશઃ)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાના દરિયાકાંઠાના ગામોનો ખારાપાટ વિસ્તારમાં સમાવેશ