ફી નિયમનના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આજે આપ્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, જે શાળાઓએ સરકારે નિયત કરેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવી હશે તેવી શાળાઓએ વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્રમાં વધારાની ઉઘરાવેલી ફીની રકમ મજરે આપવી પડશે એટલે કે, ક્રેડિટ આપવી પડશે. જે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ શાળા દ્વારા ઉઘરાવાયેલી વધારાની ફી મુદ્દે તેમને કોઇ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, શાળા સંચાલકોએ નવા સત્રમાં તફાવતની રકમ ક્રેડિટ આપવી પડશે એટલે કે, નવા સત્રની ફીમાં તેટલી રકમ વાળી આપવી પડશે. રાજય સરકારના ફી નિયમન કાયદામાં બહુ વિસ્તૃત અને અસરકારક જોગવાઇ લાગુ કરવામાં આવી છે જે મુજબ, જો કોઇ ખાનગી કે સ્વનિર્ભર શાળા દ્વારા સરકારના ફી નિયમન કાયદાનો ત્રણ વાર ભંગ કરાશે તો, તે શાળાની શૈક્ષણિક માન્યતા રદ કરી દેવાશે. પહેલીવાર કાયદાનો ભંગ કરશે તો, તેને પાંચ લાખ રૂપિયાનો દંડ, બીજીવાર કાયદાના ભંગ બદલ રૂ. દસ લાખનો દંડ અને ત્રીજી વાર કાયદાના ભંગ બદલ શાળાની સીધી માન્યતા જ રદ કરવાની કાયદામાં જોગવાઇ છે.