શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસેથી કાળીયાબીડ જવાના રસ્તે નડતરરૂપ એવા ફોરેસ્ટ વિભાગના કવાર્ટસને હટાવવાની આજે મંજુરી મળતાની સાથે જ મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરી. કવાર્ટસ હટાવાયા હતાં. આજે રજાના દિવસે પણ અધિકારીઓ તથા મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નડતર રૂપ કવાર્ટસ હટાવતા રહીશોમાં આનંદ છવાયો હતો.
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના માર્ગને પહોળો કરવામાં નડતરરૂપ વનવિભાગના ક્વાર્ટર્સ હટાવવાની પ્રજાજનોની રજૂઆતોને ધ્યાને લઈ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વઘાણીએ રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાને પત્ર લખી જાણ કરતાં, અડચણરૂપ ક્વાર્ટર્સ તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લેવાતા માર્ગને ૩૬ મીટર જેટલો પહોળો કરી શકાશે. જેના લીધે કાળિયાબીડ વિસ્તારના આશરે ૫૦ હજાર નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવશે.
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં દિલબહાર ટાંકીથી વિરાણી સર્કલ તરફ જતાં ૩૬ મીટર ડી.પી. રોડના વિકાસ માટેની વર્ષો જૂની માગણીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ રોડની પહોળાઈ વધારવા માટેની મંજૂરી અપાઈ હતી, પરંતુ એલાઇનમેન્ટમાં વનવિભાગના ત્રણ ક્વાર્ટર્સ હોવાના કારણે આ વિકાસકાર્ય અટકી ગયું હતું અને કાળિયાબીડ વિસ્તારના આશરે ૫૦ હજાર રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારના પ્રજાજનો તેમજ મહાપાલિકાની રજૂઆતોને ધ્યાને લઈ, પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વનમંત્રી ગણપતસિંહ વસાવાને આ ક્વાર્ટર્સ હટાવવા માટે તાત્કાલિક મંજૂરી આપવા પત્ર લખી જણાવાયું હતું. જેના અનુસંધાને વનમંત્રીએ વનવિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરી, ડી.પી. રોડના એલાઇન્મેન્ટમાં આવતાં, વનવિભાગનાં ત્રણેય ક્વાર્ટરનું બાંધકામ દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. વન વિભાગના નડતરરૂપ કર્વાટર હટાવવાની મંજુરી મળતા જ મહાપાલિકાના આજે રજાના દિવસે પણ અધિકારીઓ જેસીબી મશીનો સાથે સ્થળ ઉપર પહોંચી જઈને કર્વાટર હટાવવાની કામગીરી કરી હતી. આ તકે મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તેમજ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને નડતર રૂપ બાંધ કામો હટાવી રસ્તો ખુલ્લો કરવાતી કાર્યવાહી કરી હતી. ૩૬ મીટરનો રોડ ખુલ્લો થતા હવે લોકોને ફરીને જવું નહીં. પડે અને વર્ષો જુનો રસ્તાનો પ્રશ્ન હલ થતા લોકોમાં ખુશી છવાઈ હતી.