ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓ આજે હાઇકોર્ટે એક અતિમહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલની ખંડપીઠે રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે રાજયભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત મળી છે તો, બીજીબાજુ, રાજયના ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો સામે નીતિવિષયક નિર્ણયના મામલે રાજય સરકારની ગુજરાત હાઇકોર્ટમાં જીત થઇ છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ઉંચી અને તગડી ફી વસૂલી નફાખોરી રળતી સ્વનિર્ભર શાળાઓને જબરદસ્ત પછડાટ મળી છે. હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ સ્વનિર્ભર શાળાઓ તરફથી સુપ્રીમકોર્ટમાં જવું હોઇ આ ચુકાદા સામે સ્ટેની માંગણી કરાઇ હતી જો કે, હાઇકોર્ટની ખંડપીઠે શાળાઓની સ્ટેની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે સ્વનિર્ભર શાળાઓ નફાખોરી રળી શકશે નહી અને વિદ્યાર્થીઓ તેમ જ તેમના વાલીઓ પાસેથી મનસ્વી રીતે ઉંચી કે તગડી ફી વસૂલી શકશે નહી. હાઇકોર્ટે ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭નો આગામી વર્ષ ૨૦૧૮ના નવા શૈક્ષણિક સત્રથી અમલવારી કરવા પણ સરકારને મંજૂરી આપી હતી અને તેના ચુકાદામાં એ બાબત પણ સ્પષ્ટ કરી દીધી હતી કે, રાજય સરકારને આ પ્રકારનો કાયદો બનાવવાની સત્તા છે અને સરકારે બનાવેલો આ કાયદો બિલકુલ યોગ્ય, વાજબી અને કાયદેસર છે. તેમાં સ્વનિર્ભર શાળાઓ કે તેના સંચાલકોના બંધારણીય અધિકારોનું કોઇ હનન થતું નથી.
એટલું જ નહી, આ કાયદા અંતર્ગત સરકાર દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિઓ પણ બંધારણીય અને કાયદેસર છે. આ અંગેના સરકારના જાહેરનામા પણ યોગ્ય અને કાયદેસર ઠરે છે. સરકારના કાયદામાં માઇનોરીટીના કોઇ અધિકારોનું પણ ઉલ્લંઘન થતું નથી. જો કે, હાઇકોર્ટે સ્વનિર્ભર શાળાઓને એ મુદ્દે છૂટ આપી હતી કે, તેઓ શિક્ષણની ગુણવત્તા માટે ફી વધારા અંગે પ્રપોઝલ આપી શકશે અને તેની પર ફી નિર્ધારણ સમિતિ કાયદેસર નિર્ણય લેશે. છ અઠવાડિયામાં ખાનગી સ્વનિર્ભર શાળાઓ એકઝમ્પ્શન માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી તો, સાથે સાથે કેટલાક શ્રીમંત વાલીઓ તરફથી પણ આ શાળાઓને સમર્થન આપતી તેમ જ સ્વનિર્ભર શાળાઓની રજૂઆતનો વિરોધ કરતી જુદી જુદી રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી. ખૂબ જ મહત્વપૂર્ણ એવા આ કેસની સુનાવણી અગાઉ ગુજરાત હાઇકોર્ટે ડે ટુ ડે બેઝીઝ પર હાથ ધરવાનુ નક્કી કર્યું છે. જેમાં સ્વનિર્ભર શાળાઓ, રાજય સરકાર, વાલીઓ-વિદ્યાર્થીઓ સહિતના તમામ પક્ષકારોની રજૂઆત પૂર્ણ થઇ જતાં ગત તા.૩૧ ઓગસ્ટ,૨૦૧૭ના રોજ હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી હાઇકોર્ટે સમગ્ર રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો.
સરકાર હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરશેઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
શિક્ષણમાં ફી નિયમન અંગે આજે આવેલા હાઇકોર્ટના ચુકાદાને આવકારતા રાજ્યના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, આજે ઐતિહાસિક દિવસ છે. ફી નિયમન મુદ્દે આવેલો આ ચુકાદો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબ છે. ચુકાદા ૫છી કોઇ સંચાલકોની દાદાગીરી ચાલશે નહીં. કોઇ સંચાલકોનું દબાણ ચાલશે નહીં. અમારે એટલે કે સરકાર અને સંચાલકોએ ચુકાદાનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકાર વતી હું ખાતરી આપુ છું કે, આ ચુકાદાનું પાલન કરાશે. આ ચૂકાદો ફક્ત ગુજરાત માટે નહીં, સમગ્ર દેશ માટે દિશા સુચક છે. જ્યારે અમે બીલ લાવ્યા એ ૫છી સમગ્ર દેશમાંથી અમને અભિનંદન મળ્યા હતાં.
અમલવારીમાં સરકાર કાચી ૫ડશે તો કોંગ્રેસ લડત આ૫શે : મનિષ દોષી
હાઇકોર્ટના આ ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ ચૂકાદા બાદ સરકાર દ્વારા ફી નિયમનની વ્યવસ્થા ગોઠવવાની ફરજ ૫ડશે. સરકાર તેમાં કાચી ૫ડશે તો કોંગ્રેસ વિધાનસભાની અંદર અને બહાર લડત આ૫શે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ ૫ણ શિક્ષણના વેપારીકરણ ઉ૫ર રોક લગાવવા માટે અવાજ ઉઠાવી ચૂક્યા છે. ગુજરાત સરકાર આ અમલવારીમાં ૧૦ વર્ષ મોડી છે. પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ગુજરાતની ભાજ૫ સરકાર દલા તરવાડીની નીતિ ચલાવી રહી હતી.
ચુકાદાની અસર શું થશે
* ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે રાજયભરની ખાનગી અને સ્વનિર્ભર શાળાઓ પોતાની મરજીમુજબની, મનસ્વી અને બેફામ ફી વસૂલી શકશે નહી
* વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉંચી તગડી ફી વસૂલવાની દુષ્પ્રવૃત્તિ પર રોક લાગશે
* હાઇકોર્ટના આ ચુકાદાથી ખાનગી અને સ્વનિર્ભર શાળા અને તેના સંચાલકોની નૈતિક અને કાનૂની રીતે બહુ મોટી હાર થઇ છે
* આ ચુકાદાને પગલે શાળા સંચાલકોની વર્ષોથી ચાલી આવતી ફી ની ઉઘાડી લૂંટની દુષ્પ્રવૃત્તિ સામે લગામ કસાશે
* સરકારે કાયદામાં નિર્દિષ્ટ કરેલી જ ફી ખાનગી શાળાઓ વસૂલી શકશે
* જો વધુ ફી વસૂલવી હશે તો તેના કારણો આપી ફી નિયમન કમીટી સમક્ષ રજૂઆત કરવી પડશે
* શાળાની આ દરખાસ્ત પરત્વે ફી કમીટી કાયદાનુસાર નિર્ણય લેશે