અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના નવા વર્ષ માટેની તડામાર તૈયારીઓ શરૃ થઇ ગઇ છે ત્યારે જિલ્લાના છેવાડાના ગામડાઓમાં આવેલા ફાર્મ હાઉસોમાં પણ ન્યુયર પાર્ટીના આયોજન માટેની તડામાર તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. વિદેશી દારૃ સાથેની મહેફીલો માણવાની સાથે ફાર્મ હાઉસોના સંચાલકોએ મુંબઈની બાર ડાન્સરોને પણ બુક કરાવી દીધી હોવાની વિગતો સાંપડી રહી છે. જો કે, પોલીસની પરમીશન વગર યોજાતી આવી પાર્ટીઓ ઉપર પોલીસ કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું…!
નાતાલના પવિત્ર પર્વની સાથે પ્રચલીત થયેલી ન્યુયર પાર્ટીમાં હવે વિદેશી દારૃ અને બિયરની મહેફીલો નવી નથી. દર વર્ષે યોજાતી ન્યુયર પાર્ટીમાં વિદેશી દારૃની મહેફીલો યોજાતી રહે છે અને આ વર્ષે પણ આવી મહેફીલો યોજવા માટેની જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. ખાસ કરીને જિલ્લામાં આવેલા કલોલ તાલુકા જેવા વિસ્તારોના ફાર્મ હાઉસોમાં આવી પાર્ટીઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. એમ કહી શકાય કે આ ફાર્મ હાઉસોમાં તો દર અઠવાડિયે ન્યુ યર પાર્ટી જેવો માહોલ હોય છે પરંતુ ન્યુયરના પગલે આ ફાર્મ હાઉસોમાં અત્યારથી તેની ઉજવણીની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. વિદેશી દારૃ તેમજ બિયરના જથ્થાને બુક કરાવ્યા બાદ ફાર્મ હાઉસોમાં સંચાલન કરનારાઓએ મુંબઈની બાર ડાન્સરોને બુક કરાવી લીધાની વિગતો સાંપડી રહી છે.
ફાર્મ હાઉસોમાં યોજાતી આવી પાર્ટીઓમાં મોટા માથાઓ પણ મોજ મસ્તી માણવા માટે આવી પહોંચતા હોય છે ત્યારે આવા સમયે પોલીસને પગલા ભરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. જો કે, આ વખતે મંજૂરી વગર ન્યુયર પાર્ટીઓ યોજનાર સંચાલકો સામે કડક હાથે કામ લેવાનું પોલીસ વિચારી રહી છે. પરંતુ આખરે ૩૧મી રાત્રે જ ખબર પડશે કે કેટલી પાર્ટીઓએ મંજૂરી લીધી હતી અને કેટલીયે નહીં.