ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે રાંચીમાં સિરીઝની ત્રીજી વનડે મેચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમ આર્મી કેપ પહેરીને મેદાન પર ઉતરી હતી. જોકે ભારતીય ટીમના આ નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાને આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉંસિલને ફરિયાદ કરી હતી અને કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે રિપોર્ટ મુજબ આઈસીસીએ બીસીસીઆઈને પહેલાથી જ આ માટે સંમતિ આપી હતી.
તમને બતાવી દઈએ કે રાંચી વનડે દરમિયાન ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ સીરઆરપીએફના ૪૦ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૈનિક ટોપી પહેરી હતી. ઉપરાંત ટીમના ખેલાડીઓએ મેચની ફી પણ શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે ડોનેટ કરી હતી. જોકે આ નિર્ણય બાદ રઘવાયા પાકિસ્તાને કોહલી અને તેની ટીમ પર રમતનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાને BCCIને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી. પરંતુ રિપોર્ટ મુજબ આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને બીસીસીઆઈને ગુરૂવારે ભારતીય ટીમને સૈનિક કેપ પહેરવા માટે મંજૂરી આપી હતી. ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે વર્ષમાં એક મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સૈનિક કેપ પહેરીને મેચ રમે તે માટે બીસીસીઆઈએ આઈસીસી પાસેથી મંજૂરી માંગી હતી જેને પણ સ્વીકારવામાં આવી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા પણ દર વર્ષે પિંક ટેસ્ટ અને દક્ષિણ અફ્રિકા પિંક વનડે રમે છે.