રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે અત્રે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો ૧૦૦૦ ટ્રેક્ટર ભરી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું કે નર્મદાના પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોના પાકને ચોથું પાણી ન મળે અને પાક સદંતર નિષ્ફળ જાય.તેમણે રાધનપુરને જિલ્લો બનાવવા માટે પણ મક્કમ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટાયા બાદ પ્રથમ સભામાં જણાવ્યું હતું કે મારે ગરીબોના પ્રશ્ને કામ કરવું છે. અહીં તમારો દીકરો બનીને આવ્યો છું. પરંતુ વિધાનસભામાં હું બાપ બનીને કામ કરીશ. આ વિસ્તારના ગુંડાઓ અને રાજકીય ગુંડાઓને આકરા શબ્દોમાં ચેતવ્યા હતા અને કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી. રાધનપુર વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ વાપરવા માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે.
સમિતિ ૮૦ ટકા રકમ સુધી ગરીબ લોકોના ભલા માટે વાપરે તેવી ઈચ્છા રાખું છું. પૈસા કે ખુરશી મારંુ લક્ષ નથી. ગરીબોનો વિકાસ જ મારુ લક્ષ છે. રાધનપુર પાલિકામાં વાલિયા લૂંટારા બેઠા છે તે રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. હવે ભ્રષ્ટાચાર જરાય નહિ ચાલેે. અલ્પેશ ઠાકોરે જાહેર કર્યુ કે રાધનપુરમાં મારુ કાર્યાલય ૪૮ કલાકમાં ચાલુ થઇ જશે. મારા મકાનનું વાસ્તુ એક મહિનામાં થશે. હું અહીં કાયમ માટે રહેવાનો છું.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારની વિકાસની ભૂખ સંતોષે તેવા ધારાસભ્ય મળ્યા છે.હું અને અલ્પેશજીના પિતા ખોડાજી એક સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા.રાધનપુર પાલિકાની ચૂંટણીમાં પાંચ વર્ષ સુધી સાથ નિભાવે તેવા લોકો જ તૈયાર રહે, પક્ષ પલટુઓને આ વખતે કોઈ મોકો મળવાનો નથી.