બાલોદ્યાનનું નવીનીકરણ થયું પણ પાર્લરોના કબ્જાના મામલે વિવાદ

603

ગાંધીનગરની ઓળખ બની રહેલા અને જુની પેઢી માટે આનંદ પ્રમોદના એકમાત્ર સ્થળ રહેલા સેક્ટર ૨૮માં આવેલા બાલોદ્યાનની સ્થિતિ જાળવણીના અભાવે નાજુક બની હતી. પરંતુ સંચાલન સોંપાયાના પગલે મહાપાલિકાએ ૧૦ કરોડના ખર્ચે સમગ્ર ઉદ્યાનનું નવીનીકરણ કર્યા પછી હવે તેમાં આવેલા ફૂડ પાર્લરના મુદ્દે વિવાદઉભો થયો છે.

પાર્લરોની મુદત પૂરી થઇ ગઈ હોવાથી મહાપાલિકાને સોંપવાના થાય છે

મુદ્દત પુરી થઇ ગઇ હોવા છતાં પાટનગર યોજના વિભાગે તેનો કબ્જો મેળવીને મહાપાલિકાને સોંપ્યા નહીં હોવાથી આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવા વિભાગને સુચના આપી છે. બાલોદ્યાનની મુલાકાતે આવતા સહેલાણીઓને નાસ્તા, પાણી મળી રહે તેના માટે પાટનગર યોજના વિભાગે અહીં જુદી જુદી પેઢીને પાર્લર માટેની જગ્યા ફાળવેલી છે.

માર્ગ મકાન વિભાગના ઉપસચિવે પાટનગર યોજના વિભાગને પાઠવેલા પત્ર પ્રમાણે પાર્લરોની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે અને મહાપાલિકા હવે ઉદ્યાનનું સંચાલન કરતી હોવાથી પાર્લરની જગ્યા તેને તબદિલ કરવાની થાય છે.

આ મુદ્દે જાન્યુઆરી મહિનામાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે માર્ગ અને મકાન વિભાગ તથા પાટનગર યોજના વિભાગને સ્મૃતિ પત્રો પણ પાઠવેલા હોવા છતાં હજુ સુધી પાર્લરના કબ્જાનો પ્રશ્ન અધ્ધરતાલ રહ્યો છે. ત્યારે પાટનગર યોજના વિભાગના અધિક્ષક ઇજનેરને પાર્લરો પોતાના હસ્તક લઇને મનપાને સોંપવા જણાવાયું છે.

Previous articleઉદગમ દ્વારા દર વર્ષની જેમ મહિલા દિને એવોર્ડ વિતરણ કરાયું
Next articleઅરવલ્લીમાં ૯૦ ગામોમાં ગૌચર જ નથી  ગૌચર દબાણની ૩૦ થી વધુ ફરિયાદ