રાજયભરમાં વકરેલી ગૌચર ઉપરના દબાણો હટાવવાની ફરીયાદને લઈ રાજય સરકારે પશુઓના ચરીયાણ માટે દબાણ યુક્ત ગૌચરો મુક્ત કરાવવા જરૃરી આદેશ કર્યા છે.પરંતુ જિલ્લામાં આશરે ૭૫ હજાર ચો.મી.નું ગૌચર દબાણ દૂર કરવા વહીવટી તંત્રમાં નક્કર કાર્યવાહીનો અભાવ વર્તાઈ રહયો છે.જિલ્લાના ૯૦ જેટલા ગામોમાં ગૌચર જ નથી. જયારે ૩૨ ગામોમાં જરૃરી ગૌચરની ઘટ વર્તાઈ રહયું હોવાનું પ્રાપ્ત આંકડાઓ ઉપર થી જણાઈ રહયું છે.
રાજયમાં હજારો હેકટર ગૌચરમાં અને સરકારી પડતર જમીનોમાં દબાણો વકર્યા છે.પશુઓને ચરવા ગૌચરના દબાણો દૂર કરવા ઉઠેલી માંગને પગલે સામે ચૂંટણીઓને ધ્યાને લઈ રાજય સરકારે ગૌચરના દબાણો દૂર કરવા આદેશ કર્યો છે.
રાજયના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ના પરિપત્ર દ્વારા જિલ્લાના કલેકટરોને ગૌચર દબાણો અંગે રજીસ્ટરોમાં નોંધ કરી સર્કલ ઈન્સ્પેકટર પાસે સ્થળ તપાસ કરાવી દબાણો હટાવવા જણાવાયું છે. પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગૌચર પર ના દબાણો હટાવવામાં તંત્ર હજુ પાપા પગલી ભરી રહયું હોય એમ નક્કર કાર્યવાહીનો અભાવ વર્તાઈ રહયો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ જિલ્લામાં પશુઓની સંખ્યાને ધ્યાને રાખી ૪૫ હજાર હેકટર ગૌચરની જરૃરીયાત સામે માત્ર ૧૮ હજાર હેકટર માં જ ગૌચર બચ્યું છે.જયારે જિલ્લાના છ તાલુકાના ૯૦થી વધુ ગામોમાં ગૌચર જ નથી અને ૩૨૪ ગામોમાં જરૃરી ગૌચરમાં ઘટ જણાઈ રહી છે.
જિલ્લામાં ૭૫ હજાર ચો.મી.માં ગૌચર દબાણો ઉભા કરાયા છે.ત્યારે પશુઓને ચરવા ગૌચર ખુલ્લુ કરાવવામાં તંત્ર યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની વિકાસ શાખા દ્વારા પ્રાપ્ત રેકર્ડ મુજબ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ જિલ્લાના ૬૭૪ ગામોમાં ૧૭૬૪૫ હેકટર કુલ ગૌચર ઉપલબ્ધ છે.જેમાં ૫ ગામોમાં ૯ શખ્સો દ્વારા ૭ હેકટરથી વધુ ગૌચર જમીનમાં દબાણ ઉભું કરાયું છે.દર ૧૦૦ પશુઓએ ૪૦ એકર ગૌચર જરૃરી હોવાના સત્તાવાર આંકડા સામે જિલ્લામાં અર્ધો અર્ધ ગૌચરની અછત વચ્ચે હયાત ગૌચરમાં વકરેલા દબાણો સામે પશુઓને ચરવાની જગ્યા જ નથી ત્યારે પશુ પાલકોમાં તંત્રની ઢીલી નીતી સામે રોષ વ્યાપી રહયો છે.
અરવલ્લી જિલ્લાા ડીડીઓ ર્ડા.હર્ષિત ગોસાવીને જિલ્લામાં વકરેલા ગૌચર ઉપરના દબાણો સામેની કાર્યવાહી અંગે પુછતાં પહેલા તો આ અધિકારીએ મીટીંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.અને સરકારના આદેશ સામે શું પગલા ભરાયા તે અંગે તેઓએ ટીડીઓને આદેશ કરી દેવાયા હોવાનું જણાવ્યું હતું.