બેવડી ઋતુ વચ્ચે રાજયભરમાં સ્વાઈન ફલુનો કહેર પ્રજાજનોમાં ફફડાટ ફેલાવી રહયો છે.રાજયનું આરોગ્ય વિભાગ આ રોગચાળાને નાથવા વામણું પુરવાર થઈ રહયું છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મુનાઈ ગામે એક સાથે ગામની ત્રણ મહિલાઓ સ્વાઈન ફલુમાં સપડાતાં ગ્રામજનો ફફડી ઉઠયા હતા. જો કે જિલ્લા આરોગ્ય વિભાગે ૪૫ વર્ષિય એક મહિલાનો કેસ પોઝેટીવ અને અન્ય બે કેસ શંકાસ્પદ ગણાવ્યા હતા.પરંતુ માત્ર શનીવાર ના એક જ દિવસમાં અરવલ્લી જિલ્લામાં એક પોઝેટીવ કેસ સાથે સ્વાઈન ફલુના કુલ પાંચ કેસ નોંધાયા હતા.જયારે માર્ચ માસના ૯ દિવસમાં સ્વાઈન ફલુના ૭ પોઝેટીીવ કેસ સાથે કુલ આંક ૨૭ કેસે પહોંચ્યો હતો અને જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનલ ફલુ ના ૩૨ પોઝેટીવ કેસ સાથે કુલ ૯૫ કેસ આ રોગના નોંધાયા હતા. જેમાં ૩ દર્દીઓ ના મોત નીપજયા છે.
જિલ્લામાં સ્વાઈન ફલુના રોગ નો ભોગ છેલ્લા ૬૮ દિવસમાં જ ૯૫ દર્દીઓ બન્યા છે.શનીવારને ૯મી મર્ચના રોજ ભિલોડા તાલુકાના મુનાઈ ગામે ગામની ત્રણ મહિલાઓ આ રોગના સકંજામાં સપડાઈ હતી.
૪૫ વર્ષિય મહિલાને ફલુની અસર વર્તાતાં અને પરીક્ષણમાં સીઝનલ ફલુ જણાતાં આ મહિલાને તાબડતોડ અમદાવાદ ની સ્પંદન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયારે આ જ ગામની અન્ય બે મહિલાઓને સ્વાઈન ફલુ ના લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા આ શંકાસ્પદ કેસ ધ્યાને લઈ યોગ્ય સારવાર પુરી પડાઈ હતી.
જયારે શનીવાર ના રોજ ધનસુરા ના ૨૫ વર્ષિય યુવક અને માલપુર તાલુકાના જેશીંગપુર ગામે ૭૫ વર્ષિય વૃધ્ધને સ્વાઈન ફલુ ની અસર વર્તાઈ હતી. આમ એક જ દિવસમાં જિલ્લામાં એક પોઝેટીવ કેસ સાથે કુલ પાંચ દર્દીઓ ફલુ ગ્રસ્ત નોંધાયા હતા.
જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ૧૯ લોકો સ્વાઈન ફલુગ્રસ્ત બનયા હતા. જયારે માર્ચ માસના ૯ દિવસમાં જ ૭ પોઝેટીવ કેસ સાથે કુલ ૨૮ દર્દીઓ સીઝનલ ફલુની ઝપટમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું હતું. ચાલુ વર્ષના ૬૮ દિવસમાં જ જિલ્લામાં ૩૨ પોઝેટીવ કેસ સહિત કુલ ૯૫ સ્વાઇન ફલુના કેસ નોંધાતાં અને ત્રણ દર્દીઓના મોત નીપજયા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.