લોકસભા ચૂંટણીની જાહેરાતની સંભાવનાને પગલે આજે રાજય પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. કારણ કે, ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ આવી જાય અને તેથી પોલીસ તંત્રમાં તાજેતરમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓને હાલના સ્થળેથી તાત્કાલિક છુટા કરી બદલીના સ્થળે હાજર થઇ જવા રાજય પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) તરફથી તાકીદની સૂચના જારી કરવામાં આવી હતી.
જેના કારણે રાજય પોલીસતંત્રના કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને અધિકારી વર્ગ ડીજીપીની સૂચનાની અમલવારી માટે દોડતો થઇ ગયો હતો. તો, પોલીસ કર્મચારીઓ પણ બદલીના સ્થળે જવાની અને ત્યાં રહેવાની અને ડયુટી જોઇન્ટ કરવાની તૈયારીની વ્યસ્તતામાં જોતરાયા હતા.
આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાને પગલે ગુજરાત પોલીસમાં બદલી કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને હાલના સ્થળેથી તાત્કાલિક છુટા કરી બદલીના સ્થળે હાજર થવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યા હતા. આજે સાંજે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચાર સંહિતા લાગુ પડી જવાની સ્થિતિ બનતાં રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા દ્વારા તાકીદની ઉપરોકત સૂચના જારી કરાઇ હતી. જેમાં પોલીસ તંત્રના સંબંધિત સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓને બદલી કરવામાં આવેલા અધિકારીઓ/કર્મચારીઓને હાલના સ્થળેથી તાત્કાલિક છુટા કરવા અને તેઓને તાત્કાલિક બદલીવાળા સ્થળે ડયુટી જોઇન્ટ કરવા જણાવાયુ હતુ. આ હુકમની અમલવારી બાદ તેની જાણ ડીજીપી કચેરીમાં કરવા પણ તાકીદ કરાઇ હતી. ડીજીપીની સૂચના બાદ સમગ્ર રાજય પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. કારણ કે, એક વખત ચૂંટણીની તારીખો જાહેર થઇ જાય અને આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય તો, પછી કર્મચારીઓની બદલી શકય ના બને તેથી ડીજીપીએ તાકીદની સૂચના જારી કરી હતી.