સને ૧૯૬૧ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર તા.૧૨મી માર્ચે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સ્વાગતને લઇ તેમ જ તેમની જાહેરસભા અને રોડ શોને લઇ પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને લગભગ પૂર્ણતાના આરે છે. શાહીબાગના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે જયાં કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળવાની છે તે માર્ગો પર અને રાષ્ટ્રીય કાર્યકારિણીની આસપાસના સ્થળોએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના વિશાળ પોસ્ટરો અને બેનરો લગાવી દેવાયા છે. તો, ગાંધીનગર-અડાલજ ત્રિમંદિર તરફના માર્ગો અને સર્કલો પર કોંગ્રેસની પતાકાઓ, બેનરો અને પોસ્ટરો લાગી ગયા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયકાં ગાંધી અને સોનિયા ગાંધીના ફોટાઓ નજરે પડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી માંડી ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ હાલ તો કોંગ્રેસની આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અને ત્યારબાદ રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીના રોડ-શો અને જાહેરસભાને સફળ બનાવવામાં લાગી ગયા છે. પુલવામામાં આત્મઘાતી આંતકવાદી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનોના મોત બાદ દેશભરમાં ખાસ કરીને સરહદ પર બનેલી તંગદિલીભરી સ્થિતિના મુદ્દે મોકૂફ રખાયેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી મહત્વની બેઠક તેમજ જનસંકલ્પ રેલી હવે તા.૧૨મી માર્ચના દાંડી કૂચના ઐતિહાસિક દિવસે યોજાવા જઇ રહી છે.
આ દિવસે અડાલજ ત્રિમંદિર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ જાહેર સભાને સંબોધશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વિધિવત્ ટિ્વટ કરીને તા.૧૨મી માર્ચના દાંડી કૂચના દિવસે સીડબ્લ્યુસી તેમજ જનસંકલ્પ રેલીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેને લઇ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલી કોંગ્રેસની બહુ મહત્વની એવી આ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે જ યોજવામાં આવશે, જેમાં કોંગ્રેસના ટોચના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ સહિત ૫૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસે જનસભા અડાલજ ખાતે જ યોજવાનું મન બનાવ્યું છે. ગુજરાતમાં છેલ્લે ૧૯૬૧માં ભાવનગર ખાતે કોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠક મળી હતી. પુલવામા હુમલા બાદની સ્થિતિ જોતાં કોંગ્રેસ વર્કિંગ કમીટીની તા.૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક અને જન સંકલ્પ રેલી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સને ૧૯૬૧ બાદ સૌપ્રથમવાર કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ભવન ખાતે યોજાવા જઇ રહી છે અને ત્યારબાદ બપોરે અડાલજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક અને રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની હાજરી બહુ નોંધનીય બની રહેશે. શાહીબાગ અને અડાલજ ત્રિમંદિર ખાતેના બંને સ્થળો અને તેને જોડતા માર્ગો પર કોંગ્રેસના બેનરો, ધજા-પતાકા અને રાહુલ,પ્રિયંકા તેમ જ સોનિયા ગાંધીના ફોટાવાળા પોસ્ટરો નગરજનોમાં ધ્યાનાકર્ષક બની રહ્યા છે.