(જી.એન.એસ)અદિસ અબાબા,તા.૧૦
ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કેન્યાની રાજધાની માટે રવાના થયેલા ઇથોપિયન એરલાયન્સનું વિમાન ક્રેશ થયું છે, આ વિમાન પર ૧૪૯ મુસાફર અને ૮ ક્રુ મેમ્બર સવાર હતા, સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ ૧૫૭ લોકોનાં મોતની આશંકા સેવાઇ રહી છે. મૃતકોમાં ૩૩ દેશના નાગરિકો સવાર હતા. ઈથોપિયાના વડાપ્રધાન કાર્યાલયે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટના આજે સવારે ૮.૪૪ વાગ્યે થઈ હતી. વિમાને એડીસ અબાબાથી ૮.૩૮ વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું અને ૮.૪૪ વાગ્યે તે ક્રેશ થયું હતું. વિમાન એડીસ અબાબાની દક્ષિણ બાજુએ લગભગ ૫૦ કિ.મી. દૂરના સ્થળ બિશોફ્તુ અથવા ડેબ્રે ઝીટની આસપાસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ઈથિયોપીયન એરલાઈન્સનું કહેવું છે કે બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ છે, પરંતુ કોઈ પ્રવાસી બચી શક્યા છે કે નહીં એની હજી સુધી કોઈ જાણકારી નથી. બીજી બાજુ, ઈથિયોપીયાના વડા પ્રધાન કાર્યાલયે દુર્ઘટનાગ્રસ્ત પ્રવાસીઓનાં પરિવારજનો પ્રતિ દિલસોજી વ્યક્ત કરતું નિવેદન બહાર પાડી દીધું છે.
ઈથિયોપીયન એરલાઈન્સ ઈથિયોપીયાની સરકારની માલિકીની છે. તે આફ્રિકાની સૌથી મોટી એરલાઈન ગણાય છે.