(જી.એન.એસ)બોગોટ્ટા,તા.૧૦
લેટિન અમેરિકાન દેશ કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં મેયર તથા તેમના પરિવાર સહિત ૧૨ વ્યક્તિના મોત થયા છે. નાગરિક સુરક્ષા એજન્સીએ આ બનાવની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ડગલાસ ડીસી-૩ વિમાન સેન જોઝ ડેલ ગ્વાવિયરે અને વિલાવિસેંસિયોની વચ્ચે દેશના મધ્ય-પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ફાયરબ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાનમાં આગ લાગી હતી. એરેનોટિકા નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે, કમનસીબે….કોઇપણ વ્યક્તિ જીવિત બચી શકી નથી.
વિમાનનો કાટમાળ વિલાવિસેંસિયોની નજીકથી મળી આવ્યો હતો. મૃતકોમાં તારાયરાના મેયર અને તેમના પતિ ડોરિસ વિલેગાસ ઉપરાંત તેમની પુત્રીનો પણ સમાવેશ થતો હતો.
આ ઉપરાંત વિમાનના પાયલટ જેમી કાર્રિલ્લો, કો-પાયલટ જેમી હોરારા અને અન્ય એક ઉડ્ડયન એક્સપર્ટ એલેક્સ મોરેનો પણ આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ઇવાન ડક્કેએ મૃતકોને ટિ્વટર મારફતે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, મારી સંવેદનાઓ પરિવારો સાથે છે. નાગરિક સુરક્ષા એજન્સી નિયામક કર્નલ માર્ટિનેઝે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાનું કારણ વિમાનના એન્જિન ફેઇલ થયું હોવાનું મનાય છે.