૭ તબક્કામાં મતદાન, લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું

430

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે.

સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે. દરેક ઉમેદવારને ફોર્મ ૨૬ ભરવાની ફરજ પડશે. દેશભરમાં કુલ ૧૦ લાખ પોલિંગ સ્ટેશનો ઉપર મતદાન કરાવવામાં આવશે. ૨૦૧૪માં આ સંખ્યા ૯ લાખ હતી. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા હશે અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર માટે ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર માટે તમામને કેટલાક નિયમો પાળવા પડશે. કોઇપણ ઉમેદવાર અખબારમાં ત્રણ વખત જાહેરાત આપી શકશે. જો કોઇ ઉમેદવાર પોતાના પાન કાર્ડની માહિતી નહીં આપે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં. સોશિયલ મિડિયા ઉપર ખર્ચ કરવામાં આવેલી રકમને પણ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં જોડી દેવામાં આવશે. તમામ ઉમેદવારોને પોતાના સોશિયલ મિડિયા ખાતાની માહિતી આપવી પડશે. સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતી જાહેર કરી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ચૂંટણી પ્રક્રિયાનો અંત આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ સાંજે પાંચ વાગે સમયસર પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ વખતે વધુ સુવિધા મળી શકે તે માટે ૧૦૯૫ ઉપર એસએમએસ કરીને લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકે છે. આ ટોલ ફ્રી નંબર છે. તારીખોની જાહેરાતના ૧૦ દિવસ બાદ વોટિંગ લિસ્ટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. આ વખતે દરેક ઘરમાં જઇને વોટરગાઇડ કાર્ડ આપવામાં આવશે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં નવ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ૨૬મી મેના દિવસે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લધા હતા. ઉત્તરપ્રદેશમાં છેલ્લી લોકસભાની ચૂંટણીમાં છ તબક્કામાં મતદાન થયું હતું. ૨૦૧૪માં પ્રથમ વખત આટલા તબક્કામાં મતદાન થયું હતું. ૨૦૦૯માં છ અને ૨૦૦૪માં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે માહિતી આપતા કહ્યું હતું કે, ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરતા પહેલા તહેવાર, સંબંધિત રાજ્યોના બોર્ડની પરીક્ષા અને અન્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.

આચારસંહિતાના ગાળા દરમિયાન જુદા જુદા પરિવહન પાસાઓના મુદ્દે રેલવે સહિત તમામ વિભાગો સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કાતરી કરવા ચીફ સેક્રેટરીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. મિડિયા સમક્ષ ચૂંટણી પંચે આજે વાત કરીને ચૂંટણી કાર્યક્રમ માટે રણશિંગુ ફુંકી દીધું છે.

Previous articleઈથોપિયન એરલાઈન્સનું વિમાન ક્રેશ : ૧૫૭ મોત
Next articleદામનગર શહેરમા NID રાઉન્ડ  પોલિયો નાબૂદી દિવસની ઉજવણી