જવાહર મેદાનમાં વૃંદાવન ધામમાં યોજાયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુયાગના ચોથા દિવસે ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ શાનદાર રીતે તથા આનંદ – ઉમંગ વચ્ચે ઉજવાયો હતો. બાલ કનૈયાનો જન્મ થતા જ ભાવિકો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીની ધૂન સાથે નાચી ઉઠ્યા હતા. તમામ શ્રોતાઓ ઊભા થઈ કનૈયાની ધૂન બોલાવતા આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. માથા પર ટોપલીમાં બાલકૃષ્ણ અને દાઢીધારી અને શરીર ઉપર સાંકળ બાંધેલ વસુદેવ સભાગૃહમાં ચાલતા આવ્યા ત્યારે ભાવિકોએ વધામણા લીધા હતા. આગળ ભરવાડનો પસંદગીનો હૂડો રાસ ખાસ રાસના ખેલાડીઓ દ્વારા રમાતો હતો. સંગીતકારોએ કૃષ્ણજન્મોના વિવિધ ભજનો વડે સમગ્ર વાતાવરણને ભક્તિસભર બનાવી દીધું હતું. ઢોલ અને શરણાઈના સૂરો અને સંગીતકારોના ભજનો વચ્ચે રામ બાપુ, શેરનાથ બાપુ સહિતના સંતોએ સ્ટેજ ઉપર રાસ લીધો હતો. અને ભાવિકો જુદા જુદા ગ્રુપમાં રાસ લેતા હતા અને પોતાની ભક્તિ અને શ્રધ્ધાનું દર્શન કરાવતા હતા. જીજ્ઞેશ દાદાએ બાલકૃષ્ણને ખોળામાં લઈને રડાવ્યા હતા અને આ રડવાના રૂદન સાથે ભાવિકોએ જયકાર કર્યો હતો. બાળકૃષ્ણને તથા આપસમાં ભાવિકોએ માખણ – મીસરીનો પ્રસાદ લીધો હતો. આજેકૃષ્ણજન્મહોઈ આખા મંડપને દરરોજ કરતા અલગ રીતે શણગારવામાં આવ્યું હતું. આજે ભાવિકોની ભીડ એટલી વધી ગઈ હતી કે મંડપનો વિસ્તાર કર્યા છતાં સેંકડો ભાવિકોએ બહાર તડકામાં ઊભા રહી પૂ. જીજ્ઞેશ દાદાની કથાનું અમૃતપાન કર્યું હતું. આજે પૂ. જીજ્ઞેશ દાદાએ કથામાં ગજેન્દ્ર મોક્ષ, વામન જન્મ, રામ જન્મની વિવિધ ગાથાને જીવંત કરી હતી .