ભારતની મહિલા ટી-ટ્વેન્ટી ટીમ ઇંગ્લૅન્ડ સામે સતત સાતમી ટી-ટ્વેન્ટી મૅચ હારી ગઈ અને સિરીઝમાં ૦-૩થી વ્હાઇટવૉશ જોયો એને પગલે ભારતીય ટીમના કોચ ડબ્લ્યૂ. વી. રમને પત્રકારોને કહ્યું હતું કે ‘ભારતની અમુક મહિલા ક્રિકેટરોમાં ટેક્નિકલ કૌશલ્યનો જ અભાવ છે. સૌથી પહેલાં તેમણે આમાં સુધારો લાવવાની જરૂર છે. આવી કુશળતા આવી જશે પછી બધી અડચણો ઉકેલવાનું આસાન થઈ જશે. જો પ્લેયરનો ટેક્નિકલ કુશળતાનો પાયો જ કાચો હોય તો વ્યૂહનો બરાબર અમલ ન થઈ શકે.’
ત્રીજી ટી-ટ્વેન્ટીમાં ભારતીય મહિલાઓ ૧૨૦ રનના સાધારણ લક્ષ્યાંકને મેળવવા જતાં આખરી ઓવરમાં જીતવા માટે જરૂરી ત્રણ રન નહોતી બનાવી શકી. બ્રિટિશ ટીમની બોલર કેટ ક્રૉસે બે બૉલમાં ભારતી ફુલમાલી અને અનુજા પાટીલની વિકેટ લીધી હતી અને સામા છેડે મિતાલી રાજ અણનમ રહી ગઈ હતી. ઇંગ્લૅન્ડનો છેવટે એક રનથી વિજય થયો હતો. સ્મૃતિ મંધાનાના ૫૮ રન એળે ગયા હતા. મિતાલીએ ૩૨ બૉલમાં અણનમ ૩૦ રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે ટી-ટ્વેન્ટીમાં સતત બીજો વ્હાઇટવૉશ જોયો છે.
ભારતીય મહિલા ટીમનું મનોબળ મજબૂત કરી શકે એવા નિષ્ણાતની જરૂર છે? એવા એક પત્રકારના સવાલના જવાબમાં રમને કહ્યું હતું કે ‘મૂળ વાત તો એ છે કે અમુક ખેલાડીઓમાં સૌથી પહેલાં ક્રિકેટની ટેક્નિકલ બાબતોને લગતું સામાન્ય કૌશલ્ય હોવું જોઈએ.