મકાનના ધાબાઓ પર ૧.૬૩ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન

610

સોલર સિટી યોજના અંતર્ગત સુર્ય ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના આગળ વધી છે અને હાલમાં અહીં ૨૭૬ રહેણાંક આવાસના ધાબા પર સોલર સિસ્ટમ લગાડીને ૧.૬૩ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરાઇ રહ્યું છે. તેનો આગામી સમયમાં શહેરીજનોને લાભ મળતો થઈ જશે.

સોલરના પ્રયોગ શરૂઆતના તબક્કે મોંઘા પડે છે. પરંતુ તેના માટે કરેલા રોકાણનું વળતર ૫ વર્ષમાં મળી ગયા પછી આ સિસ્ટમ ૧૫ વર્ષ સુધી ચાલતી રહે છે, મતલબ કે ૧૦ વર્ષ સુધી કમાણી કરાવે છે.

ગાંધીનગર શહેરમાં સોલર રૂફટોપ પ્રોજેક્ટ, ગ્રીન પાવર પ્રોજેક્ટ હેઠળ વધુને વધુ પરિવારને સાંકળી લેવા પ્રયાસ હાથ ધરાયા છે અને સોલર સિસ્ટમ લગાડવાની કામગીરી અજૂરે ટાવર પ્રોજેક્ટ તથા સન એડિશન પાવર પ્રોજેક્ટ કંપની કરે છે. ઉર્જા વિભાગના સુત્રો પ્રમાણે રૂફટોપ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ગાંધીનગરમાં નાના મકાનની સંખ્યા વધારે છે અને તેના ધાબા પર સોલર સિસ્ટમ લગાડવાનું શક્ય બનતું નથી.

પાટનગરમાં રહેણાંક હેતુના પ્લોટની સાઇઝ ફિક્સ છે. ૮૧ મીટરથી લઇને ૩૩૩ ચોરસ મીટર ક્ષેત્રફળના પ્લોટ હોવાથી માત્ર ૩૩૩ ચોરસ મીટરના પ્લોટ પરના મોટા મકાનના ધાબા પર સોલર સિસ્ટમ લગાડી શકાય છે. નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે પાટનગરના દરેક મિલ્કતધારક વીજળી પેદા કરશે અને તેનું વેચાણ કરીને કમાણી કરશે. જોકે ગાંધીનગર આ દિશામાં આગળ વધી રહ્યું છે. ગાંધીનગર શહેરમાં સોલર રૂફટોપ પ્રોજેક્ટ, ગ્રીન પાવર પ્રોજેક્ટ હેઠળ વધુને વધુ પરિવારને સાંકળી લેવા પ્રયાસ હાથ ધરાયા છે.

અજુરે ટાવર પ્રોજેક્ટ દ્વારા ૧૬૩ રહેણાક મકાન પર લગાડેલી સોલર સિસ્ટમથી ૪૬.૮૭ લાખ જ્યારે સન એડિશન પાવર પ્રોજેક્ટ દ્વારા ૧૧૩ રહેણાંક મકાનના ધાબા પર મુકાયેલી સોલર સિસ્ટમથી ૩૩.૫૬ લાખ યુનિટ વીજળી પેદા થઇ છે. ગાંધીનગરમાં રૂફટોપ પાવર માટેની સ્થાપિત ક્ષમતાને ૧, ૬૮૫ કિલો વોટ પર પહોંચાડાઇ છે. ઉપરાંત સરકારે રાયસણ અને પેથાપુરમાં સોલર પાવર પ્લાન્ટ કાર્યરત કર્યા છે.

Previous articleઈન્ફોસીટી અને જીઆઈડીસી સહિતના મોટા બાકીદારો સામે મનપા કડક હાથે કામ લેશે
Next articleગાંધીનગર જિલ્લામાં ૯૦.૪૬ હજાર મેટ્રિક ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થશે